ચાર જેટલી વિવિધ યુનિ.નાં 40 અધ્યાપકોનું જંગલમાં અધ્યન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
ગીર સોમનાથના અધ્યાપકો માટે તાજેતરમાં ગીરના સાસણ ખાતે એક ખાસ પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો હેતુ અધ્યાપકોને પ્રકૃતિ અને વન્યજીવનના સંરક્ષણ અંગે જ્ઞાન આપવાનો હતો, જેથી તેઓ આ જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકે.
- Advertisement -
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અને નાયબ વન સંરક્ષક, સાસણ ડો. મોહન રામના મુખ્ય મહેમાનપદે આ કાર્યક્રમ યોજાયો હતો. આયોજનમાં પ્રો. (ડો.) જીવાભાઈ વાળા, પ્રો. સંજય ભૂત અને પ્રો. ચોચાનો સહયોગ રહ્યો હતો. ચાર વિવિધ યુનિવર્સિટીના 40 અધ્યાપકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. કુલપતિ ચૌહાણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યના વન્યવૈવિધ્ય વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ વિસ્તાર 2375 પ્રાણી પ્રજાતિઓનું ઘર છે, જેમાં 300થી વધુ પક્ષીઓ અને 37 સરીસૃપોનો સમાવેશ થાય છે. તેમણે પ્રકૃતિનું સંતુલન જાળવવા વન્યજીવનની રક્ષાને અનિવાર્ય ગણાવી હતી.
સૌરાષ્ટ્ર યુનિ.ના કોમર્સ વિભાગના અધ્યક્ષ સુશ્રી દક્ષાબા ગોહીલે માનવ વિકાસના નામે થતા વૃક્ષો અને જંગલોના નિકંદન સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વન્યજીવનનું સંરક્ષણ કરવું એ નૈતિક અને કાયદાકીય ફરજ હોવાનું જણાવ્યું હતું. શિબિર દરમિયાન અધ્યાપકોએ કુલપતિ સાથે ટ્રેકિંગમાં ભાગ લીધો હતો. રિસોર્સ પર્સન પ્રણવ વઘાસિયા અને ભટ્ટ ભાઈએ વન્ય ઔષધિઓ અને સિંહ સંવર્ધન વિશે માર્ગદર્શન આપ્યું. રેન્જ ફોરેસ્ટ અધિકારી યશ ઉમરાનિયએ વન અને વન્યજીવસૃષ્ટિની જાણકારી આપી હતી. નાયબ વન સંરક્ષક ડો. મોહન રામે અધ્યાપકોને ખાસ કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શિબિરનું સંચાલન કરસનભાઈ વાળા, પ્રો. સંજય ભૂત, અને પ્રો. (ડો.) જીગર રાવલે કર્યું હતું.



