મહાઆરતીમાં ભક્તિરસમાં તરબોળ થયાં શ્રદ્ધાળુઓ : નવમા દિવસે દિવ્ય કથા અને મહાઆરતી, શનિવારે ઢોલ-નગારાં, શંખનાદ અને પુષ્પવર્ષા વચ્ચે વિસર્જન યાત્રાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર ભુદેવ સેવા સમિતિ દ્વારા છેલ્લા 16 વર્ષથી અવિરત શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાતો રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવ હવે શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. આ મહોત્સવના નવમા દિવસે, ગુરુવારે, વિશેષ ધાર્મિક કાર્યક્રમ રૂપે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કથાનું વર્ણન પ્રખર શાસ્ત્રીજી તેમજ ભાગવતાચાર્ય શ્રી જયભાઈ ત્રિવેદી અને પ્રશાંતભાઈ જોશીએ પોતાની મધુર તથા દિવ્ય વાણીમાં કર્યું હતું. કથાશ્રવણ દરમિયાન ભક્તિભાવના અદભૂત માહોલમાં હાજર શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. આ કથાને શ્રવણ કરવાથી દુ:ખો અને કષ્ટો દૂર થાય છે તેમજ જીવનમાં સુખ-શાંતિ, રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિનો વાસ થાય છે એવી માન્યતા છે.
આ પવિત્ર કથાના યજમાન દંપતિઓ તરીકે તેજસભાઈ-નેહલબેન ત્રિવેદી, વિકીભાઈ-જિગ્નાબેન ઠાકર અને અર્જુનભાઈ-સીમાબેન શુક્લે પૂજાવિધિ કરી હતી. તેમણે ભગવાન શ્રી સત્યનારાયણ તથા વિઘ્નહર્તા ગણપતિજીને ભાવપૂર્વક પૂજ્યા અને પરિવાર, સમાજ તથા સમગ્ર જગતના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
કથાના અંતે ભારે વરસાદની વચ્ચે પણ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં શહેરના અગ્રણીઓ, બ્રહ્મ પરિવારો, વિવિધ સમાજના ધાર્મિક પરિવારો તથા હજારો ભક્તોએ ઉપસ્થિત રહી ભાવપૂર્વક દીવા પ્રગટાવ્યા હતા. પંડાલમાં ભક્તિભાવના પ્રવાહે ગુંજી ઉઠતા સૌ કોઈ ભાવવિભોર થઈ ભગવાનના ચરણોમાં લીન થઈ ગયા હતા.
આજે દસમો દિવસ છે, જેમાં રાત્રે 8 વાગ્યે રાબેતા મુજબ મહાઆરતી યોજાશે. જ્યારે અગિયારમા દિવસે એટલે કે શનિવારે બપોરે 12 વાગ્યે રાજકોટ કા મહારાજા ગજાનન દાદાને થાળ ધરાવી પ્રસાદરૂપે ભોજન અર્પાશે અને બપોરે 1 વાગ્યે ભવ્ય વિસર્જન યાત્રા યોજાશે. ઢોલ-નગારાં, શંખનાદ, અબીલ-ગુલાલ, પુષ્પવર્ષા તથા વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે આ વિસર્જન યાત્રા ઉલ્લાસભેર અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં યોજાશે.
ભુદેવ સેવા સમિતિના સંસ્થાપક તથા શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય તેજસભાઈ ત્રિવેદીના સક્રિય માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં પરંતુ ભક્તિ, એકતા અને સમાજસેવાના અભૂતપૂર્વ પ્રતિકરૂપ તરીકે ઊભર્યો છે. આ ભવ્ય મહોત્સવ શહેરમાં આધ્યાત્મિકતા અને સૌહાર્દનો પવિત્ર સંદેશ ફેલાવે છે.



