ગણેશ ચતુર્થીમાં વીજ સુરક્ષા અંગે PGVCLની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારનો વીજ અકસ્માત ન બને તે માટે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરીએ નાગરિકોને ચેતવણી આપી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક હળવી અને ભારે દબાણની વીજ લાઈનો પસાર થતી હોવાથી મૂર્તિ સ્થાપના, આગમન અને વિસર્જન સમયે જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયાએ જણાવ્યું કે વીજ લાઈન અડકવાથી પ્રાણઘાતક તથા બિન્ન-પ્રાણઘાતક અકસ્માતની સંભાવના રહે છે. જીવન અમૂલ્ય છે, તેથી નાગરિકોએ સુરક્ષિત અંતર રાખીને જ તહેવારની ઉજવણી કરવી.
- Advertisement -
નાગરિકો માટે સૂચનાઓ
વીજ લાઈનની નીચેથી વધુ ઊંચાઈવાળી મૂર્તિ લઈ જવી નહિ.
વીજ લાઈનને કોઈ પણ વસ્તુ વડે ઊંચી કરવાનો પ્રયત્ન કરવો નહિ.
આયોજકો કે મંડળોએ આગોતરા રસ્તાનો સર્વે કરી મૂર્તિની ઊંચાઈ અનુરુપ વ્યવસ્થા કરવી.
જરૂર જણાય તો પીજીવીસીએલની પેટા કચેરીનો સંપર્ક કરી વીજ લાઈનની ઊંચાઈની ખાતરી કરવી.
પંડાલ અથવા મંડપો વીજ ટ્રાન્સફોર્મર, 11 કેએવી લાઈન કે અન્ય ઇલેક્ટ્રિકલ નેટવર્કથી સલામત અંતરે જ સ્થાપવા.
ભારે વાહનો (બસ, ટ્રક, હાઇડ્રોલિક ડમ્પર વગેરે) વીજ લાઈન નીચે કે નજીક પાર્ક ન કરવા.



