3 ઓગસ્ટે જનકલ્યાણ હોલ ખાતે યોજાયેલા કેમ્પમાં રક્તદાતાઓ માટે લકી ડ્રો અને આકર્ષક ભેટનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જૈન સોશિયલ ગ્રુપ્સ ઇન્ટરનેશનલ ફેડરેશનના સૌરાષ્ટ્ર રીજિયન આયોજીત અને રાજકોટ ઝોન પરિવાર સંકલિત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ અને એલીટ સંગિની દ્વારા સતત છઠ્ઠા વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 3 ઓગસ્ટ, 2025ના રોજ જનકલ્યાણ હોલ, મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક), રાજકોટ ખાતે સવારે 8:00 થી બપોરે 2:00 દરમિયાન યોજાયો હતો.
આ કેમ્પમાં દાતાશ્રીઓ તરીકે અદાણી ફૂડ, ઇન્દુભાઈ વોરા, નીતિનભાઈ કામદાર સહિત અનેક મહાનુભાવોનો સહયોગ મળ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટ અને સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક, તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંક જેવી સંસ્થાઓનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો.
રક્તદાન કરનાર તમામ દાતાઓ વચ્ચે લકી ડ્રો યોજવામાં આવ્યો હતો, જેમાં 42″ ટીવી, 32″ ટીવી, 50 લીટરનું ફ્રિજ, એરકુલર, સોના-ચાંદીની ગીની, સ્માર્ટ વોચ, સાઈકલ, અને અન્ય આકર્ષક ભેટો વિજેતાઓને એનાયત કરવામાં આવી હતી.
કેમ્પમાં રાજકોટ મહાનગર પોલીસ કમિશનર પ્રમોદકુમાર ઝા, સૌરાષ્ટ્ર રીજિયન ચેરમેન સેજલભાઈ કોઠારી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અને અન્ય અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઇન, વેસ્ટ, મિડટાઉન, ડાઉનટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, પ્રાઇમ, જેમ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ અને જૈન યુવા ગ્રુપ સહિતના અનેક ગ્રુપોના હોદ્દેદારોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આત્મીય કોલેજ અને ગીતાંજલિ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રક્તદાન કરનારા દરેક દાતાને આકર્ષક ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ રક્તદાનના મહાદાનને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.



