વન વગડો હોટલ નજીક બનેલી ઘટનાથી અરેરાટી, મૃતક યુવાન પાટીદાર સમાજનો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
હળવદ-માળિયા હાઈવે પર આવેલી વન વગડો હોટલ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રેલર વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.જાણવા મળતી માહિતી મુજબ, હળવદના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા કેતનકુમાર હરજીવનભાઈ પટેલ (ઉં.વ. 43) અને તેમના મિત્ર મેહુલભાઈ પટેલ બંને કાર લઈને હળવદ-માળિયા હાઈવે પર વન વગડો હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર અને એક ટ્રેલર વચ્ચે જોરાકા ભીડતા અકસ્માત સર્જાયો હતો.
- Advertisement -
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, આશાસ્પદ યુવાન કેતન પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના મિત્ર મેહુલભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. કેતનભાઈના આ દુ:ખદ સમાચારથી સમગ્ર વિસ્તાર અને ખાસ કરીને પાટીદાર સમાજમાં શોક અને દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. હળવદ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.



