રવિવારે સાંજે ભારે ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો 4 કલાક ફસાયા, આંદોલન સમિતિ હાઇવે પર ચક્કાજામ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ -જેતપુર હાઇવેનુ નામ સાંભળતા જ વાહનચાલકો અંદરથી જ ફફડી ઉઠે છે કારણ એ છે કે હરરોજ કલાકોનો ટ્રાફિક જામ અને રસ્તાની બિસ્માર હાલત ! ગઈકાલે સાંજે ભરૂડી ટોલનાકા પાસે ટોલપ્લાઝાની બંને ટ્રાફિક જામ થતા ટોલપ્લાઝાની બંને સાઈડ વાહનોની 2-2 કિમીની લાંબી કતાર જોવા મળી હતી. આ અંગે હાઇવે હક્ક આંદોલન સમિતિના આગેવાન રોહિતસિંહ રાજપૂતે ટોલપ્લાઝા પરના વીડિયો સાથે પોતાનુ નિવેદન આપતા જણાવ્યુ હતું કે અમે જુનાગઢથી રાજકોટ આવતા સમયે ટોલપ્લાઝા પહેલા બે કિમીનો ટ્રાફિક જામ હતો એટલે અમે આ હાઇવેના પ્રોજકેટ ડાયરેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરી હતી કે ટોલ બેરીકેટસ ખોલી નાખો જેથી સમસ્યા ના સર્જાય અને હાઇવે ઓથોરિટીના માણસોને ટોલપ્લાઝાથી શાપર તરફ જે ટ્રાફિક થાય ત્યાં વ્યવસ્થામા ગોઠવો તેમ છતા ટોલપ્લાઝા પર સપૂર્ણ ટોલ ઉઘરાણા શરૂ રહ્યા હતા.અમે ટોલ ટેક્સ ભર્યા બાદ રાજકોટ તરફ જવા રવાના થયા ત્યારે ટોલપ્લાઝાથી આગળની સાઈડ પણ 2-3 કિમી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ પોલીસ બોલાવી હતી પણ ઘણા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. નવાઈની બાબતે એ છે કે હાઇવે ઓથોરિટીએ વાહનચાલકો પાસેથી આ રોડ પર ચાલવાનો ટોલ ઉઘરાવાયા બાદ ખૂબ ટ્રાફિક થતા ગ્રામ્ય વિસ્તારમાં ગાડારું માર્ગ પર જવા સૂચના આપતા હતા અને આ કાચા રસ્તાઓ પર પણ ટ્રાફિક અને ખાડા કીચડની સમસ્યા જોવા મળી હતી. અમે ટોલપ્લાઝા પર રહેલ વેપારીઓને પૂછતા કહ્યું કે આ સમસ્યા હરરોજની છે અને ગઈકાલે સાંજે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી ટ્રાફિક જામ રહ્યો હતો જો કે પોલીસની બે ટ્રેન ગાડીઓ આવી જતા ટ્રાફિક દૂર કરવામી કામગીરી કરી હતી.
આ બાબતે રોહિતસિંહે કહ્યુ હતુ હાઇવે ઓથોરિટીની બેદરકારીને લીધે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.એમ્બ્યુલસો ખૂબ ગંભીર રીતે ફસાય જાય તે દુ:ખડી બાબત છે જેથી અમારી સમિતિ આવનારા ત્રણથી ચાર દિવસમા આ હાઇવેનો ચક્કાજામ કરવાના છે અને તંત્ર જગાડીને લોકોનો અવાજ બનવાના છે. ઉલ્લેખનીય છે કે આ સમિતિના ઉગ્ર આંદોલન બાદ રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ રાખનાર વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ સેફટીમાં બેદરકારીના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂ.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ ધીમા કામ સબબ 2 નોટિસ ફટકારવામાં આવી હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટીના સુત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ-જેતપુર સિક્સ લેનનો રૂ.1204 કરોડના પ્રોજેક્ટનું કામ આ એજન્સીએ 24 ટકા નીચા ભાવે રાખતા સરકારે આ પ્રોજેક્ટ સોંપ્યો છે. તેમાં પણ હવે એજન્સી દ્વારા હવે ધીમું કામ કરવામાં આવતા અને સિક્સ લેન બનાવવા માટે વૈકલ્પિક માર્ગ તૈયાર નહીં કરતા આ સમસ્યા સર્જાઈ છે.
છેલ્લા એકાદ પખવાડિયાથી રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેને લઈ કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. બબ્બે વખત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જ્યાં સુધી રોડ ટકાટક બને નહી ત્યાં સુધી ટોલ નહી વસુલવા માંગણી કરી હતી. તેના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીએ વાહન ચાલકોને ટોલમાં 25 ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. હવે નેશનલ હાઈવે ઓથોરિટીએ કામ કરનાર એજન્સી સામે લાલ આંખ કરી ટ્રાફિકજામ સબબ 25 લાખનો દંડ ફટકાર્યો છે.રાજકોટ-જેતપુર હાઈવેમાં ટ્રાફિકજામ ન થાય તે માટે 12 ક્રેઈન રાખવામાં આવી છે અને બન્ને ટોલ નાકા ખાતે વધારાની 2 ક્રેઈન પણ તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે પીપળીયા પાસે જામ થયો હતો ત્યાં બેરીયર મુકી દેવામાં આવતા ટ્રફિકજામ થોડા કલાકોમાં ક્લીયર થઈ ગયો હતો.”
રાજકોટ-જેતપુર સિક્સ લેનનું 67 કિલો મીટરનું કામ સપ્ટેમ્બર-2022માં 24 મહિનામાં પૂર્ણ કરવાની શરતે વરાહ ઈન્ફ્રાસ્ટ્રકચરને સોંપવામાં આવ્યું હતું. આ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં માત્ર 20 કિલો મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.47 કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે. જેમાં 18 બ્રીજ, 14 ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે તેના કારણે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાઈ છે.



