સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાનો સંકલ્પ
260 કાપડની બેગના નવા વેન્ડીંગ મશીન દ્વારા અત્યાર સુધીમાં 20 હજારથી વધુ બેગનું વિતરણ
રાજ્યના મહત્વના 13 ધાર્મિક સ્થળોએ 30 બેગ વેન્ડિંગ મશીન મુકાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આપણા સૌના જીવનમાં પર્યાવરણ કેટલું મહત્વનું છે તે હવે આપણે સૌ સમજી ગયા છે. તેને બચાવવા માટે પણ આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યાં છીએ. પર્યાવરણને બચાવવાના પ્રયાસોમાં એક મહત્વનું પગલું એટલે પ્લાસ્ટીક બેગના વપરાશને ઓછું કરવું. ગત વર્ષે રાજ્યના વિવિધ જાહેર સ્થળો પર પ્લાસ્ટીક બેગનો વપરાશ ઘટાડવા બેગ એટીએમ મુકવાના મહત્વના પર્યાવરણલક્ષી નિર્ણય બાદ માત્ર 200 દિવસમાં એક લાખથી વધુ નાગરીકોએ કાપડની થેલીનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરીતાર્થ કર્યો છે. ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિના નવા યુગની શરૂઆત થઈ છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવાં રાજ્યના મંદિરોમાં કાપડની થેલીમાં પ્રસાદની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
રાજ્યના મહત્વના મંદિરો જેમ કે અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, ઇસ્કોન મંદિર સહિતના કુલ 13 મંદિરો પર 30 મશીન મુકવામાં આવ્યાં છે. આ મશીન મુકવાથી મંદિરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ અથવા 10 રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો ચછ કોડ સ્કેન કરીને કાપડની થેલી મેળવી શકાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મુખ્યમંત્રીદ્વારા મહાત્મા મંદિર ખાતેથી વધુ 260 કાપડની બેગના વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા સ્થાપિત બેગ વેન્ડીંગ મશીનો દ્વારા અત્યાર સુધીમાં 20 હજારથી વધુ કાપડની બેગનું વિતરણ કરવામા આવ્યુ છે. ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને નાગરીકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, રાજ્યના મહત્વના જાહેર સ્થળોએ વિશેષ એટીએમ મશીન મુકવામાં આવ્યા છે, જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે.
રાજ્યના વિવિધ જાહેર સ્થળોએ શરૂ કરવામાં આવેલા બેગ એટીએમ થકી પર્યાવરણના રક્ષણની સાથે મહિલાઓને વધુ આત્મનિર્ભર બનાવવામાં પણ મદદ મળી રહી છે. એટીએમમાં આપવામાં આવતી બેગ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા સ્વ સહાય જૂથ પાસેથી ખરીદવામાં આવે છે જેથી મહિલાઓને પણ રોજગારી મળી રહે છે. આ ઉપરાંત અમદાવાદ તથા સુરત ખાતે બજારો, યાત્રાધામો, હોસ્પિટલ અને બગીચાઓમાં પણ આ મશીનો મુકવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે 20 જેટલી હોસ્પિટલોમાં પેપર બેગના વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવ્યા છે જેથી હોસ્પિટલની મેડિકલ શોપ પરથી પેપરની બેગ પણ મળી શકે. આ બાબતે મોનીટરીંગ માટે ‘પ્રતીગ્યા લાઇવ ડેશબોર્ડ’ પણ વિકસાવવામાં આવ્યું છે જેમાં કાપડના બેગ વિતરણના મશીનોની લાઇવ માહિતી મેળવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગની નિર્ભરતા ઘટાડવા માટે દર વર્ષે 3 જુલાઈને વિશ્વ પ્લાસ્ટીક બેગ મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે.



