ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
ભીમઅગિયારસના દિવસે વાવણીનું મુહૂર્ત કરવામાં આવે છે. વિસાવદર તાલુકાના રાવણીકુબા, વેકરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે અચાનક વાતાવરણ બદલાયું હતું. આકાશમાં વાદળો ચડી આવ્યા હતા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો. આ ગ્રામ્ય વિસ્તારોમાં બેથી અઢી ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા નદીઓમાં પણ પાણી આવ્યું હતું. જ્યારે ભેંસાણ શહેરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢમાં બપોરે વાદળો છવાયા હતા અને અમી છાંટણા થયા હતા. ભીમઅગિયારસના વરસાદ પડતાં આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. જ્યારે જે વિસ્તારમાં વરસાદ પડયો નથી એવા વિસ્તારના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. પરંતુ જિલ્લામાં મેઘરાજાના આગમનથી હવે વરસાદ પડશે એવી આશા ખેડૂતોમાં બંધાઈ છે.