રાજકોટના ભક્તિનગર વિસ્તારની 2019ની ઘટનામાં સરકારી વકીલની દલીલો, સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ સજાનો હુકમ કરતી સેશન્સ કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં 3 વર્ષના સગા ભત્રીજાનું અપહરણ કરી હત્યા નિપજાવનાર આરોપી પારૂલ ઉર્ફે હકી ડોબરીયાને આજીવન કેદની સજાનો હુકમ થયો છે. વર્ષ 2019ની ઘટનામાં સરકારી વકીલની દલીલો અને નજરે જોનાર સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ આરોપી ભાભુને સજાનો હુકમ રાજકોટ સેશન્સ કોર્ટે કર્યો છે.
આ કેસની હકિકત મુજબ નાડોદાનગરમાં રહેતા આરોપી પારૂલબેન ઉર્ફે હકી અલ્પેશભાઈ ડોબરીયા ઉ.40એ તા.28/12/2019 ના રોજ 10:30 વાગ્યાના અરસામાં મહેશ્વરી સોસાયટી, પ્રણામી ચોક, રાંદલ વિદ્યાલય વાળો મેઈન રોડ, નંદઘર, આંગણવાડી, રાજકોટ ખાતેથી ફરીયાદી મહેશ્વરી સોસાયટીમાં રહેતા કમલેશભાઈ વલ્લભભાઈ ડોબરીયાના 3 વર્ષના દીકરા ખુશાલને આંગણવાડીએથી ખુશાલના ભાભુ તરીકેની ઓળખ આપી મનેશ્વર મંદિરે દર્શન કરવા લઈ જવો છે તેવુ કહી આંગણવાડીના બહેન કમુબેન દિપકભાઈ લાંબા તેને ઓળખે છે. તેવુ જણાવી ખુશાલને આરોપી પોતાના ઘરે લઈ ગઈ હતી. જ્યાં પોતાના માથે બાંધેલ રૂમાલથી ગળે ટુંપો ખુશાલની હત્યા કરી હતી.
લાશ મોટી કોથળીમાં નાખી 80 ફુટ રોડ સીતારામ સોસાયટી મેઈન રોડ ઉપર આવેલ પ્યોર ડ્રીકીંગ વોટર નામની સબ સ્ટેશનની પેટી પાસે ફેંકી દઈ પુરાવાનો નાશ કરી દીધેલ. આ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તે રીતે આરોપી ઉપર આઈ.પી.સી. કલમ-302, 363, 201 મુજબ તહોમત ઘડવામાં આવેલ. કોર્ટમાં કેસ ચલતા પ્રોસીકયુશને પોતાનો કેસ સાબિત કરવામાં 25 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા છેલ્લે સાથે નજરે જોનાર સાહેદ, મેડીકલ ઓફીસરની જુબાની, પંચો તથા પોલીસ વિટનેશ સહીતના કુલ 17 સાહેદો તપાસેલા હતા. સરકારી વકીલ સ્મિતા અત્રિએ દલીલ કરતા જણાવેલ કે, આંગણવાડીના કમુબેન લાંબાએ ખુશાલને લેવા આવનાર આરોપીને પોતે ઓળખતા હોય ખુશાલને આપવા જણાવેલ તેવુ જુબાનીમાં જણાવેલ છે. નીતાબેન સુરેશભાઈ બગથરીયા કે જેની હાજરીમાં સગીર ખુશાલને આરોપી લઈ ગયેલા. નીતાબેને આરોપીને અદાલત રૂબરૂ ઓળખી બતાવેલ છે.
મેડીકલ ઓફીસરની જુબાનીમાં મરણજનાર ખુશાલના ગળાના ભાગે 17 સે.મી. ના માપનો પ્રેશર એબ્રેઝન પ્રકારનો લીગેચર માર્ક થાયરોડ કાર્ટીલેજના ભાગનો હતો. ગળાના ભાગે ટુંપો દેવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે. તે રીતે પ્રોસીકયુશન ખુશાલનુ મૃત્યુ સાપરાધ મનુષ્યવધ હોવાનુ અને આરોપીએ જ તેનુ મૃત્યુ નિપજાવેલ હોવાનુ સાબિત કરી શકેલ છે. તેમજ લાશ કોથળામાં લઈને ઉભેલ આરોપીને જોનાર ચંદ્રેશ જેન્તીભાઈ ચૌહાણ, તપાસ કરનાર પીઆઇ વી.કે. ગઢવી સહિતના સાહેદોની જુબાની ધ્યાને રાખી આરોપીને તકસીરવાન ઠરાવવા રજુઆત કરી હતી.
- Advertisement -
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી પારૂલબેને જ ખુશાલનું મૃત્યુ નિપજાવેલ છે તેવુ માની, ભારતીય દંડ સંહીતાની કલમ-302 મુજબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.10,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજા ફરમાવેલ છે. તેમજ આઈ.પી.સી.ની કલમ-363 મુજબ તકસીરવાન ઠરાવી 7-વર્ષની સજા અને રૂ.5,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1-માસની સજા તેમજ આઈ.પી.સી.ની કલમ-201 મુજબ તકસીરવાન ઠરાવી 7 વર્ષની સજા અને રૂા.5,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની સજાનો હુકમ ફરમાવેલ છે આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સ્મિતા નરેન્દ્રભાઈ અત્રિ રોકાયેલા હતા ગુન્હાની તપાસની કામગીરી જે તે સમયના પીઆઇ વી.કે. ગઢવી, રાઇટર એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા, પોલીસ હેડ કોન્સ. ધનશ્યામભાઈ મેણીયાએ કરેલ હતી.



