પાછળની લાઈટ કાઢી ચોરખાના બનાવી દારૂ સંતાડયો હતો : 11.81 લાખની મતા જપ્ત
ગોવા ફરવા ગયા બાદ દારૂ ભરી લાવતા કાર લે-વેચના વેપારી સહિત ત્રણ ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
થર્ટી ફર્સ્ટ પછી પણ દારૂની અછત દૂર કરવા બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે પીસીબીની ટીમે બે કલાકમાં કુવાડવા અને બામણબોરમાંથી બે કારમાંથી દારૂની 649 બોટલ ઝડપી પાડી કુલ રૂ.11.81 લાખનો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. બંને કારની એરબેગ અને પાછળની લાઈટ કાઢી ખાના બનાવી દારૂ છુપાવ્યો હતો.
- Advertisement -
રાજકોટ પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.હુણ અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ મહીપાલસિંહ ઝાલા, જમાદાર હરદેવસિંહ રાણા, ઘનશ્યામસિંહ ચૌહાણને બાતમી મળી હતી કે અમદાવાદ હાઇવે તરફથી એક સફેદ કલરની બ્રેજા કાર નં.જીજે-27-બીએલ-5117 માં દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફ આવે છે આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફે કુવાડવા ગામ વાંકાનેર ચોકડી પાસે વોચ ગોઠવી હતી ત્યારે પસાર થયેલ બ્રેજા કારને અટકાવી કારમાં બેસેલ બંને શખ્સોને નીચે ઉતારી નામઠામ પૂછતાં મૂળ ધોરાજીનો હાલ ગંજીવાડામાં રહેતો પ્રવિણ ગીગા વાળા ઉ.31 અને રાજકોટ ક્રિષ્ના પાર્કે સોસાયટીમાં રહેતો શૈલેષ બાવનજી ઝાલાવાડીયા હોવાનું જણાવ્યું હતું બાદમાં પોલીસે કારમાં તપાસ કરતા કારની અંદર કાંઈ મળી આવેલ નહીં, પરંતુ કારમાં પાછળની બન્ને બ્રેક લાઈટોમાં ખાનુ હોવાનુ જણાતાં બન્ને બ્રેક લાઇટના કાચ ખોલી જોતા જેમાં અંદર ચોરખાના હોય તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી તેમજ ડેસ્ક બોર્ડમાં એર બેગની જગ્યામાં ખાનુ તેમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી
બાદમાં બંને જગ્યાએથી દારૂની કુલ 336 બોટલો કાઢી 84 હજારનો દારૂ અને કાર મળી રૂ.5.84 લાખનો મુદામાલ કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી હતી તે પછી પીસીબીના સ્ટાફને એક દારૂ ભરેલ બ્રેજા કાર પાછળથી અમદાવાદ તરફથી આવતી હોવાની બીજી મળેલ ચોક્કસ બાતમી આધારે સ્ટાફે બામણબોર ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી ત્યારે જ પસાર થતી બ્રેજા કારને અટકાવી કાર ચાલકનું નામઠામ પૂછતા મવડીમાં રહેતો કેતન પરસોત્તમ વોરા હોવાનું જણાવ્યું હતું સ્ટાફે કારમાં તપાસ કરતા કાંઈ મળી આવેલ નહીં, પરંતુ કારમાં પાછળની બન્ને બ્રેક લાઈટોમાં ચોરખાનુ હોવાનું જાણવા મળતા કાચ ખોલી જોતા તેમાંથી તેમજ આગળના ભાગે ડેસ્ક બોર્ડમાં એર બેગની જગ્યામાં ખાનુ હોય તેમાંથી પણ દારૂની બોટલો મળી હતી. બંને જગ્યાએથી દારૂની 313 બોટલ 97300ની મળી આવતા દારૂ અને કાર મળી 5.97 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. કેતન કાર લે-વેંચનું કામ કરે છે ત્રણેય શખ્સો દારૂનો જથ્થો ગોવાથી લઈ આવતાં હતાં અને અહીં છૂટક વેંચાણ કરવાના હતાં. હાલ પોલીસે 649 બોટલ અને બે કાર મળી કુલ રૂ.11.81 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓની સઘન પુછતાછ હાથ ધરી હતી.



