એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી પોપટપરાના શખ્સની કરી ધરપકડ
હોટલમાં ક્રાઇમ બ્રાન્ચના નામે યુગલ પાસેથી 31 હજાર પડાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં અસલી પોલીસ ન પહોંચી શકતી હોય તેમ નકલી પોલીસ મેદાનમાં આવી ગઈ છે અને જેમ ફાવે તેમ ક્રાઇમ બ્રાન્ચના નામે તોડ કરી રહી છે ત્યારે થોડા દિવસ પહેલાં બસ સ્ટેશન પાસેની હોટેલમાં ધસી જઇ ક્રાઇમ બ્રાંચના નામે યુગલ પાસેથી 31 હજારની રોકડની લૂંટ ચલાવવાના બનાવમાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પોપટપરાના શખ્સને એસટી બસ સ્ટેશન પાસેથી ધરપકડ કરી તેણે અન્ય કોઈ લોકો પાસેથી પોલીસના નામે તોડ કર્યા છે કે કેમ તે સહિતની પૂછતાછ હાથ ધરી છે.
મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ શહેરના કોઠારિયા નાકા પાસે આવેલ શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતો મુરારીમોહન શત્રુઘ્ન બાદ ઉ.44 તેની પ્રેમિકા સાથે એસટી બસ સ્ટેન્ડ પાસે મૂન હોટેલમાં ગયો હતો ત્યારે અજાણ્યો શખ્સ તેની પાસે આવી તે ક્રાઇમ બ્રાંચના પોલીસમેન હોવાની ઓળખ આપી તમે અહીં ખરાબ કામ કરવા આવ્યા છો કહી ધમકાવ્યા હતા ત્યારબાદ તેની પાસેથી 12 હજારની રોકડની લૂંટ ચલાવી હતી અને તેની પાસેના એટીએમ લઇને તેમાંથી વધુ રૂ.19 હજાર ઉપાડી લઇને કુલ 31 હજારની લૂંટ ચલાવી નાસી ગયો હોય આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બારોટ સહિતે યુવકની ફરિયાદ પરથી ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ કરતા લૂંટ ચલાવનાર શખ્સ અવારનવાર એસટી બસ સ્ટેન્ડ પાસે આવતો હોવાની માહિતીને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને ઉઠાવી લઇ પૂછતાછ કરતા તે પોપટપરામાં રહેતો મીહિર ભાનુભાઈ કુંગશિયા હોવાનું અને તેને હોટેલમાં યુગલને અટકાવી 31 હજારનો તોડ કર્યો હોવાનું રટણ કરતાં પોલીસે તેની ધરપકડ કરી અન્ય કોઈ લોકો પાસેથી પોલીસના નામે તોડ કર્યો છે કે કેમ તે જાણવા વિશેષ પૂછતાછ હાથ ધરી છે.



