જૂનાગઢમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
એક એવા હાસ્ય કલાકાર કે જેઓનું નામ દેશ-વિદેશમાં પ્રચલિત છે એવા જીતુભાઈ દ્વારકાવાળાની જીવનયાત્રા પર એક સુંદર ફિલ્માંકનનું દસ્તાવેજીકરણ થયેલ છે જેનું વિશ્વવંદનીય ભાગવતાચાર્ય પુજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સાધુ-સંતો, કથાકારો, કલાકારો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જીતુભાઈએ શરૂઆતમાં પુજ્ય નારાયણ સ્વામી, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, નિરંજન પંડ્યા જેવા ખ્યાતનામ કલાકારો સાથે હાસ્યનાં કાર્યક્રમો કરેલ તેમજ દેશ ઉપરાંત 24 વખત વિદેશયાત્રા કરેલ જેમાં અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ, બહેરીન, આફ્રિકા, ન્યુઝીલેન્ડન, ફીઝી સહિત વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ હાસ્યરસથી તરબોળ કરેલ ત્યારબાદ અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ હાસ્ય કલાકાર તરીકે અભિનય કરેલ .
- Advertisement -
જીતુભાઈનાં પરમ મિત્ર અને જાણીતા લોકગાયક રાજુભાઈ ભટ્ટને વિચાર આવ્યો કે જીતુભાઈની 45 વર્ષની હાસ્યક્ષેત્રની જીવનયાત્રા પર એક ફિલ્મ બનવી જોઈએ અને એ વિચાર એમણે જીતુભાઈનાં દિકરા દર્શન દ્વારકાવાળા સમક્ષ મૂક્યો અને જુનાગઢનાં જ વતની 35 વર્ષથી ગુજરાતી ફિલ્મ જગતમાં ગુંજતું નામ એટલે અભિલાષ ઘોડા અને પાર્થ ભટ્ટ દ્વારા ફિલ્મનું નિર્માણ થયું અને આ ફિલ્મ જીતુભાઈ દ્વારકાવાળા ઓફિસીયલ યુ-ટ્યૂબ ચેનલ પર આપ નિહાળી શકશો તો જોવાનું ચૂકશો નહિ. અને આ તકે ચાહકોનો જીતુભાઈ દ્વારકાવાળા પરિવારે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ.



