અમદાવાદમાં સમાજને લાલબત્તી ધરતો અજબગજબ કિસ્સો
પોતે મરજીથી સહેલી સાથે ચાલી ગઇ હોવાનો પત્નીએ ઘટસ્ફોટ કરતા હાઇકોર્ટના જજ પણ ચોંકી ઉઠયા : જોકે પત્ની પુખ્ત હોઇ નિર્ણય જાહેર કરતા હાઇકોર્ટે પત્નીને બહેનપણી સાથે રહેવા દેવાનો હુકમ કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પતિએ હેબિયસ કોર્પસ અરજી કરીને અને પત્નીની બહેનપણી ઉપર આક્ષેપ કર્યા હતા કે બહેનપણી સાથે લેસ્બિયન સંબંધોના દબાણમાં, સાત મહિનાનો ગર્ભ ધરાવતી પોતાની પત્ની ચાલી ગઈ છે. અરજીની સુનાવણીમાં પોલીસે અરજદારની પત્નીને શોધીને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી હતી.જો કે, ગર્ભવતી સૌના આશ્ચર્ય વચ્ચે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, તે પુખ્ત છે અને તે તેના પતિ સાથે જવા નથી માંગતી અને હાઇકોર્ટે પણ પત્નીને તેની સહેલી સાથે જવાની મંજૂરી આપી હતી.કેસની વિગતો મુજબ ચાંદખેડામાં અરજદારના લગ્ન યુવતી સાથે તા.9-10-2022ના રોજ થયા હતા. તેઓ સુખેથી પોતાનું લગ્નજીવન જીવી રહ્યા હતા અને તેની પત્નીને સાત મહિનાની પ્રેગનન્સી પણ રહી છે. ફેબુ્રઆરી-2025માં તેને ડિલીવરી થવાની શકયતા છે. જો કે, તેની પત્નીની નાનપણની એક બહેનપણી કે જેની સાથે તેનો ગાઢ ઘરોબો હતો અને આ બહેનપણીને પણ અરજદારની પત્ની પ્રત્યે લેસ્બિયન કે હોમોસેક્સ્યુઅલ પ્રકારનું આકર્ષણ હતું.
દરમ્યાન ગત તા.29-10-2024ના રોજ અચાનક જ તેની પત્ની ઘરમા કોઇને કીધા વગર જતી રહી હતી. બીજીબાજુ, તેની પત્નીની બહેનપણી કે જેને અરજદારની પત્ની પ્રત્યે લેસ્બિયન કે હોમોસેક્સ્યુઅલ પ્રકારનું આકર્ષણ હતું તે પણ ઘરેથી ગાયબ હતી. તેથી અરજદારે પોતાની પત્નીની ભાળ મેળવવા અને તેનો કબ્જો મેળવવા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.આ કેસમાં ચાંદખેડા પોલીસે અરજદારની પત્ની એવી સગર્ભા યુવતીને હાઇકોર્ટ સમક્ષ હાજર કરી હતી. બાદમાં જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ એસ.વી.પિન્ટોની ખંડપીઠે સગર્ભા યુવતીને તેની બહેનપણી, અરજદારના વકીલ, સરકારી વકીલ અને ખુદ યુવતીની બહેનબધાની હાજરીમાં સગર્ભા યુવતીની પૃચ્છા કરી હતી.જેથી સગર્ભા યુવતીએ સોૈના આશ્ચર્ય વચ્ચે બહુ ચોંકાવનારો ઘટસ્ફોટ હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ કર્યો હતો કે, તે પુખ્ત છે અને તે પોતાની મરજીથી જ તેની બહેનપણીના ત્યાં ગઇ છે, તેને કોઇએ ગેરકાયદે રીતે ગોંધી રાખી નથી. તે તેના પતિ તરફથી અપાતા ત્રાસના કારણે તેની બહેનપણીના ત્યાં જતી રહી છે. તે હવે તેની સાથે જ રહેવા માંગે છે અને તેની બહેનપણી સાથે જ જવા માંગે છે. હાઇકોર્ટ પણ બેઘડી તો સગર્ભા યુવતીની કેફિયત સાંભળી ચોંકી ગઇ હતી પરંતુ કાયદા મુજબ, હાઇકોર્ટે સગર્ભા યુવતીને તેની ઇચ્છા મુજબ તેની બહેનપણી સાથે જવા દેવા અંગે હુકમ કર્યો હતો અને કેસનો નિકાલ કર્યો હતો.