ટી.આર.પી. અગ્નિકાંડ કેસની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનર સહિત તંત્રોને આડે હાથે લઈ સાડા ચાર કલાક હીયરીંગ ચલાવ્યું હતું. રાજકોટની ટી.આર.પી. અગ્નિકાંડની ઘટનામાં 27ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલા 15 આરોપીઓ સામે ચાલી રહેલ કેસમાં ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ. મકવાણાનાઓએ તેઓ સામે કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડીસ્ચાર્જ) કરી છોડી મૂકવા અરજીઓ દાખલ કરવામાં આવી છે.
કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1)ધવલ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ, (5) યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ સામે આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયરના સાધનો રાખ્યા વગર કે અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી તેમાં આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવમૃત્યુ થવાની સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવોના મૃત્યુ નિપજાવી ગુનો કર્યા અન્વયે તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ત્રાજીયાએ ફરિયાદ કરી હતી.
- Advertisement -
ટી.આર.પી. અગ્નિકાંડ કેસની આજરોજ 15 આરોપીઓની સેશન્સ અદાલતમાં કેસ દાખલ થયા બાદની આજરોજની 11મી મુદત હોય જેમાં સરકાર પક્ષેના સ્પે. પી.પી. એડી. સ્પે. પી.પી. તથા ભોગ બનનારના એડવોકેટો રાજકોટના મહે. એડી. સેશન્સની કોર્ટમાં ખુલતી અદાલતે હાજર રહેલા અને 467 દસ્તાવેજો સ્વરૂપી પુરાવો રજૂ કર્યા હતા જે દસ્તાવેજોમાં એફ.આઈ.આર. પી.એમ. રીપોર્ટ, પંચનાનાઓ, એફ.એસ.એલ. રીપોર્ટ, બેંકના સ્ટેટમેન્ટ, ઓડીટ રીપોર્ટ, હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાયો, કોર્પોરેશનની ફાઈલો, પી.જી.વી.સી.એલ.ની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડિટેઈલો, ઈજા પામનારાઓના મેડિકલ સર્ટિફીકેટો વિગેરે દસ્તાવેજી પુરાવો નામદાર અદાલતમાં રજૂ કરવામાં આવ્યા અને પ્રોસિક્યુશન તરફેથી ડ્રાફટ ચાર્જ રજૂ કરવામાં આવેલ જે ડ્રાફ્ટ ચાર્જ અન્વયે સુનાવણી માટે મુદત હોય દરમિયાન ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ. મકવાણા અને જયદીપ ચૌધરીએ તેઓ સામે કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડીસ્ચાર્જ) કરી છોડી મૂકવા અરજીઓ દાખલ કરવામાં આવતા અને ટી.પી.ઓ. સાગઠીયાએ પોતાની નહીં પરંતુ મ્યુનિસિપલ કમિશનર ઉપર જવાબદારી ઢોળતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
ઉપરોક્ત બંને આરોપીઓ ઉપરાંત હજુ વધુ આરોપીઓ પણ પોતાની સામેનું તહોમત પડકારી કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા ડિસ્ચાર્જ અરજીઓ લાવી કેસ લંબાવવા કોશિશ કરે તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી. તેની સામે સરકાર તરફેથી કેસ ડે ટુ ડે ચલાવવા અરજી આપવામાં આવી છે તેની તથા ડીસ્ચાર્જ અરજીઓ સંબંધે આજરોજ નામદાર અદાલતમાં દલીલો થવાની સંભાવના છે ત્યારે હવે જો કોઈ આરોપીને ડિસ્ચાર્જ અરજી કરવી હોય તો 26 ડિસેમ્બર સુધીમાં કરી દેવા આદેશ બાદ બધી અરજી સાંભળવા માટે 3 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.
ઉપરોક્ત કામમાં ભોગ બનનાર પ્રદિપસિંહ ચૌહાણ પરિવાર વતી રાજકોટ બાર એસોસિએશન વતી ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે. પી.પી. નીતેશ કથીરીયા તથા અન્ય એક ભોગ બનનાર વતી એન. આર. જાડેજાનાઓએ હાજર રહી કાર્યવાહી કરી હતી.



