બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની કરી હતી ધરપકડ : એક હજુ ફરાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે ગત 14 મીએ કુવાડવા રોડ પર શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં ત્રણ સંતાન સાથે રહેતી મુસ્લિમ ત્યક્તા મહિલા પર રાત્રે રામનાથપરામાં રહેતાં તેના પૂર્વ કુટુંબી જેઠના દીકરા અને જમાઇએ ફોન કરી દરવાજો ખોલાવડાવી છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી હુમલામાં ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન રવિવારે મોત થતાં બનાવ હત્યામાં પલટયો છે પતિ સાથે તલ્લાક પછી કુટુંબી જેઠ સાથે નિકાહની વાત ચાલતી હોઇ પણ જેઠ આ મહિલાના આગલા સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોય તેથી તેણે નિકાહની ના પાડી દીધી હતી આ કારણે પૂર્વ કુટુંબી જેઠ સાથે ડખ્ખો ચાલતો હતો. દરમિયાન જેઠના દીકરા અને જમાઇએ હુમલો કર્યો હતો બી ડિવિઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
બી-ડિવીઝન પોલીસે હુમલામાં ઘવાયેલા રેશ્માબેન યુનુસભાઇ બેલીમ ઉ.35ના રિક્ષાચાલક ભાણેજ શોયેબ બોદુભાઇ સોલંકી ઉ.31ની ફરિયાદ પરથી રામનાથપરામાં રહેતાં મહેબુબભાઇના દીકરા ટીપુ તથા મહેબુબભાઇના જમાઇ સાહીલ અને એક અજાણ્યા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો જેમાં હત્યાની કલમનો ઉમેરો કરાયો છે શોયેબ સોલંકીએ જણાવ્યું હતું કે હું શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહુ છું અને મારા ઉપરના માળે મારા કુટુંબી માસી રેશ્માબેન યુનુસભાઇ બેલીમ બે દીકરીઓ તમન્ના ઉ.16, જીયા ઉ.12 અને 8 વર્ષના દીકરા સાથે રહેતા હતાં તેમજ તેણી નવાગામમાં આવેલી યુનિક ફોમ નામની ગાદલા બનાવવાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતા હતાં માસીના લગ્ન 2005માં થયા હતાં પણ દોઢ વર્ષ બાદ પતિ આરીફભાઇ સમા સાથે છુટુ થઇ ગયું હતું હાલમાં તેમના પતિ આરીફભાઇ રામનાથપરામાં અલગ રહે છે. અગાઉ માસી રામનાથપરામાં પતિ સાથે હુશેની ચોક સામે રહેતાં હતાં તે વખતે કૌટુંબીક જેઠ મહેબુબભાઇ સમા તેમના પડોશમાં જ રહેતાં હતાં માસીને તેના પતિ સાથે છુટુ થયું પછી કુટુંબી જેઠ મહેબુબને તેની સાથે નીકાહ કરવા હતાં પરંતુ મહેબુબભાઇ માસીના સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોય જેથી માસીએ નિકાહની ના કહી દેતાં બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતાં. જેથી માસીએ નિકાહ નહી કરવાનો નિર્ણય કરી લીધો હતો છતાં મહેબુબભાઇ માસીને અવાર-નવાર ધમકીઓ દઇ નિકાહ કરવા દબાણ કરતાં હતાં. હુમલો થયો એ દિવસથી 20 દિવસ પહેલા માસી રામનાથપરાના ઘરે ગયા ત્યારે પણ તેના જેઠ સાથે મોટો ઝઘડો થયો હતો દરમિયાન 14 મીએ રાત્રે હું ઘરે હતો અને સુવાની તૈયારી કરતો હતો ત્યારે ઘરની લોબીમાં બૂમાબૂમ થતાં હું બહાર જોવા જતાં ટોળુ ભેગુ થયેલુ હતું માસીના ઘરની બહાર આ લોકો ઉભા હતાં. હું ત્યાં જતાં માસી લોહીલુહાણ હાલતમાં જમીન પર પડયા હતાં આજુબાજુમાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં. માસી કણસતાં હતાં અને કંઇક કહેવાનો પ્રયાસ કરતાં હતાં. મેં શું બનાવ બન્યો છે? તેમ પુછતાં તેણે કહેલુ કે-મહેબૂબનો દિકરો ટીપુ અને તેનો જમાઇ સોહીલ અને અજાણ્યો હતા એટલુ તે બોલ્યા હતાં.
તેની વિડીયોગ્રાફી પણ મેં કરી હતી 108 એમ્બ્યુલન્સમાં માસીને સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં અજાણ્યા શખ્સે મને પકડી રાખી અને મહેબુબના દિકરા ટીપુ તથા જમાઇ સોહીલે છરીના ઘા પેટ, છાતીના ભાગે માર્યા હતાં આ બંનેને મારા માસી સાથે શું દુશ્મનાવટ છે તેની મને ખબર નથી તેવું મહિલાએ એમ્બ્યુલેન્સમાં જણાવ્યું હતું.
ડોક્ટરે તપાસ કરતાં માસીને કોઇ ધારદાર હથીયારથી ડાબા હાથની કોણી નીચે એક ઘા, પેટના ભાગે બે ઘા અને છાતીના ભાગે એક ઘા મારી દેવાયાનું જણાયું હતુ હાલત નાજુક હોય પીઆઇ એસ. એસ. રાણે, રાઇટર હીરાભાઇ રબારીએ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી હજુ એક આરોપી ફરાર હોય તેણી શોધખોળ હાથ ધરી છે.



