આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સર્વે મુજબ 78.4% યુવાનો મેસેજની સાથે ફાઇલો મોકલી શકે : 71.2% યુવાનો કોપી – પેસ્ટનો ઉપયોગ કરી શકે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં, 15 થી 25 વર્ષની વયનાં 82 ટકાથી વધુ યુવાનો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો 92 ટકા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સર્વેની માહિતી આપી હતી.
ગ્રામીણ વિસ્તારોમાં 15-24 વર્ષની વયનાં 95.7 ટકા યુવાનો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો 97 ટકા છે. મંત્રાલયે જુલાઈ, 2022 થી જૂન, 2023 દરમિયાન હાથ ધરાયેલાં વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેના મુખ્ય તારણો બહાર પાડ્યાં હતાં . સર્વે દર્શાવે છે કે, 78.4 ટકા યુવાનો મેસેજની સાથે ફાઇલો મોકલી શકે છે, જ્યારે 71.2 ટકા યુવાનો કોપી અને પેસ્ટ ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે.
આ સિવાય દેશનાં 26.8 ટકા યુવાનો જ ઈ-મેલ મોકલવા, ઓનલાઈન બેંકિંગ કરવા અને માહિતી શોધવા જેવા કાર્યો કરવા માટે સક્ષમ છે. ઘરમાં કમ્પ્યુટર ધરાવતાં પરિવારોની ટકાવારી 9.9 ટકા જ છે.સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, 15-24 વર્ષની વયનાં 96.9 ટકા યુવાનો સરળ વિધાનોની સમજ સાથે વાંચી અને લખી શકે છે. તેમાં ગણિતનાં સરળ પ્રશ્નો પણ સામેલ છે. સમાન વય જૂથમાં, પુરુષો માટે આ આંકડો લગભગ 97.8 ટકા છે અને સ્ત્રીઓ માટે તે 95.9 ટકા છે. 15 વર્ષ અને તેથી વધુ વયનાં યુવાનો માટે શિક્ષણમાં શાળાકીય શિક્ષણનાં સરેરાશ વર્ષો 8.4 છે, જ્યારે 25 વર્ષ અને તેથી વધુ વયનાં વ્યક્તિઓ માટે સમાન સરેરાશ વર્ષ 7.5 છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છેલ્લાં 365 દિવસ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવા પર પરિવાર દીઠ સરેરાશ તબીબી ખર્ચ અનુક્રમે રૂ. 4129 અને રૂ. 5290 છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છેલ્લાં 30 દિવસ દરમિયાન બિન-હોસ્પિટલમાં દાખલ થવા માટે પરિવાર દીઠ સરેરાશ તબીબી ખર્ચ અનુક્રમે રૂ. 539 અને રૂ. 606 છે. 94.6 ટકા પુખ્ત વયનાં લોકો પાસે મોબાઇલ મની સેવામાં એકાઉન્ટ છે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 95.7 ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી છે. જ્યારે શૌચાલયની સુવિધા ધરાવતાં પરિવારો 97.8 ટકા હતાં. જ્યારે રસોઈ માટે સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરતાં પરિવારો 63.4 ટકા હતાં. વધુમાં, 5 વર્ષથી ઓછી ઉંમરનાં 90.6 ટકા લોકોએ જન્મ પ્રમાણપત્ર માટે નાગરિક સત્તાધિકારી પાસે નોંધણી કરાવી હતી.