નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. મંગળવારે રાત્રે પોસ્ટમોટર્મ રૃમમાં મૂકાયેલી અડાજણની વૃદ્ધાના મૃતદેહને ઉંદરો કરડી ગયા બાદ બુધવારે રાત્રે પાર્લેપોઈન્ટના યુવાનના મૃતદેહનો હાથ ઉંદરોએ કરડી ખાધો હતો.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાર્લેપોઈન્ટ ખાતે સરગમ શોપીગ સેન્ટર પાસે ગોકુલ રો-હાઉસમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનાં કામ સાથે સંકળાયેલા 28 વર્ષીય રિષિત લતેશભાઈ ઝવેરીએ ધંધામાં ખોટ જવાથી ડિપ્રેશનમાં ગત રાતે ઘરે ફાંસો ખાઇ લીધો હતો. તેનો મૃતદેહ નવી સિવિલના પોસ્ટમોર્ટમ રૃમમાં મુકાયો હતો. ગત રાતે તેનો જમણો હાથ ઉંદરો કરડી ગયા હતા. સવારે પોસ્ટમોર્ટમ વેળા ઇજાના નિશાનો દેખાતા જાણ થઇ હતી. મંગળવારે રાતે પણ અડાજણની ૬૦ વર્ષની મહિલા લક્ષ્મીબેન વસાવાનાં મૃતદેહના પગને પણ ઉંદરોએ કતરી કાઢયો હતો.
- Advertisement -
નવી સિવિલના તબીબી અધિક્ષક,આર.એમ.ઓ, ફોરોન્સીક વિભાગના વડા, અન્ય ડોકટરો તથા પી.આઇ.યુ વિભાગે નિરીક્ષણ કર્યા બાદ પોસ્ટમોર્ટમ રૃમમાં ઉંદરો પકડવા પાંજરા મુકવા નિર્ણય લેવાયો હતો. આ સાથે માખી અને મચ્છર ભગાડવા કે પકડવા માટે ફલાઇ મોસ્ક્યુટો કેચર મશીન મુકાશે. ગટર સફાઇ થશે, સફાઇ માટે સર્વન્ટ અને સિક્યુરીટી ગાર્ડ તૈનાત કરાશે એમ આર.એમ.ઓ ડો.કેતન નાયકે કહ્યુ હતુ.


