લોકસભા ચૂંટણી પછી રાજપૂતો ફરી એક થશે: સમાજની ચિંતા, ચિંતન ને મનોમંથન માટે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનશે
સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ” આગેવાની ભાવનગરના મહારાજાને સોંપવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લોકસભા ચૂંટણી 2024 દરમિયાન રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજે રાજ્યભરમાં આંદોલન કર્યું હતું. રૂપાલાની ઉમેદવારીને લઈ ભાજપ સામે પણ બાંયો ચડાવી હતી. હવે ચૂંટણી પછી સમાજની ચિંતા, ચિંતન અને મનોમંથન માટે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવવા જઈ રહ્યા છે. જેને લઈ 20 સપ્ટેમ્બરે અમદાવાદના ગોતમાં આવેલા રાજપૂત ભવનમાં મળનારા મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન કરશે. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ” જાહેરાત થશે. જેની આગેવાની ભાવનગરના મહારાજાને સોંપવામાં આવશે. ક્ષત્રિય સમાજનું માનવું છે કે, દેશની એકતા અને અખંડિતતા માટે 562 જેટલા રાજા રજવાડાઓએ પોતાના રજવાડા દાનમાં આપ્યા હતા. દેશમાં લોકશાહી સ્થાપવા ક્ષત્રિય સમાજનો મોટો ફાળો હોવા છતાં આજે પણ આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય સહિતના ક્ષેત્રોમાં તેમની પૂરતી ભાગીદારી નથી. આ માટે હવે સમગ્ર સમાજને એક કરવાના ઉદ્દેશ્ર્યથી સંગઠન ઊભું થવા જઈ રહ્યું છે.
રાજપુત વિદ્યાસભાના પ્રમુખ અશ્ર્વિનસિંહ સરવૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશને એક કરવા માટે ક્ષત્રિય રાજાઓએ પોતાનાં રાજા-રજવાડાં દાનમાં આપી દીધાં હતાં. ગુજરાતમાં 225થી વધારે રાજા-રજવાડાઓ અને ક્ષત્રિય સમાજની અનેક સંસ્થાઓ છે. ક્ષત્રિય સમાજ હાલ અલગ અલગ વાડાઓમાં સંકળાયેલો છે. ક્ષત્રિય સમાજને એક કરવા અને સંગઠિત કરવાના ઉદ્દેશ્ર્યથી મહાસંગઠન બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના ગોતા ખાતે આવેલા સ્વ. હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત ભવન ખાતે 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતનાં તમામ રાજા-રજવાડાઓના મહારાજા તેમજ ક્ષત્રિય સમાજની સંસ્થાઓના આગેવાનોનું ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું છે.
- Advertisement -
224 પૂર્વ રિયાસતના વારસદારોનો હાજર રહેવા આમંત્રણ
અશ્ર્વિનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના રાજાઓથી લઈ આગેવાનો દ્વારા ચિંતા, ચિંતન અને મનોમંથનમાંથી સમાજે અનેક વાહિયાત આક્ષેપો સહન કર્યા પછી સમાજની એકતા માટે હવે ક્ષત્રિય સમાજ આળસ મરડીને પોતાના અસ્તિત્વની આગવી ઓળખ રામદેવપીરના નેજાની માફક એક નેજા હેઠળ મળે એવા વિચાર-વિમર્શ, ચર્ચા-વિચારણા કરશે. ગુજરાતના સમસ્ત ક્ષત્રિય સમાજ તથા તેના 224 જેટલા પૂર્વ રિયાસતના વારસદારોનો સંપર્ક કરીને તેઓને આ સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
સંમેલનમાં 5000થી વધારે લોકો હાજર રહેશે
અશ્ર્વિનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના લોકોને સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના સંમેલનમાં કોઈપણ રાજકીય બાબતો અંગેનો નિર્ણય કે ચર્ચા કરવામાં આવશે નહીં માત્ર ક્ષત્રિય સમાજની એકતા માટે તમામ ક્ષત્રિય સમાજના રાજકીયથી લઈ વિવિધ ક્ષેત્રોમાં નામના ધરાવતા લોકો જોડાશે. 5000થી વધારે લોકો આ સંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે.
તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ નક્કી કરાશે
અશ્ર્વિનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંમેલનમાં રાજા-રજવાડાઓથી લઇ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ લોકો અને સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિયોને સંગઠિત હવે થવાની જરૂરિયાત છે. “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ” નામના સંગઠનની જાહેરાત કરવામાં આવશે જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજ સિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના ભવ્ય સંમેલનમાં તમામ રાજા-રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનો જોડાશે અને સમાજમાં ચાલતા કુરિવાજો અને કેટલીક પ્રથાઓને દૂર કરવાથી લઈ ક્ષત્રિયોને તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે. અશ્ર્વિનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, સમસ્ત ક્ષત્રિય સમાજ ગુજરાતના આજના લોકશાહી અને વિકાસનો ભાગીદાર હોવા છતાં આગવી ઓળખ કે અસરકારકતા જોવા મળતી નથી. ક્ષત્રિય સમાજને એનો લાભ મળી શક્યો નથી. ક્ષત્રિય સમાજને ખરાબ ચીતરવામાં ક્યાંય બાકી રાખ્યો નથી. દાઝ્યા ઉપર ડામની જેમ ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીઓનાં ચારિત્ર્ય અને તેઓની અસ્મિતા ઉપર જાહેરમાં ઘા કર્યા છે. ગુજરાત ક્ષત્રિય સમાજનાં બહેન-દીકરીઓ, યુવા ધન કે વડીલો પણ આનાથી ઘવાયા છે.