ભારે વરસાદની સ્થિતિમાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત્ છે. ગીર સોમનાથમાં પણ ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ નદી-નાળા અને તળાવો છલકાયાં છે. વધતા પાણીના જળસ્તરના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે સલામતીનાં ભાગરૂપે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં નદી-નાળા તેમજ વિવિધ કોઝ વે પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
- Advertisement -
જળાશય, નદી કાંઠે કે કોઝ-વે પર પાણી જોવા જતાં કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી જિલ્લાના વિવિધ કોઝવે સહિતના ભયજનક સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે અને પૂર્વ તકેદારીના ભાગ રૂપે પોલીસ દ્વારા બેરિકેડ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના નદી, તળાવ તેમજ ડેમ છલકાયાં છે. પાણીનું જળસ્તર વધવાના કારણે નદી, નાળા, તેમજ ભયજનક કોઝ વે પર કોઈપણ વ્યક્તિ અવર-જવર ન કરે તેની ગીર સોમનાથ પોલીસ સંપૂર્ણ તકેદારી રાખી રહી છે. જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે મોટા ભાગના ડેમો ભરાઈ જવાથી ઓવરફલો થઈને નદીઓમાં પાણી વહી રહ્યા છે. આવા સમયમાં લોકો ઓવરફ્લો થયેલી નદીઓના વહેણમાં કે નાળાઓમાં પ્રવેશ ન કરે તે માટે ભયજનક વોંકળા તેમજ વિવિધ કોઝ-વે પર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ NDRF
ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત ભારે વરસાદ સહિતની કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા અને રાહત તેમજ બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ સતત તૈનાત છે. એનડીઆરએફની ટીમ 28 જવાનો સાથે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ટીમ કમાન્ડર વિનયકુમાર ભાટીએ જણાવ્યું હતું કે, ‘હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. જેને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એન.ડી.આર.એફની ટીમ ખડેપગે તૈયાર છે.



