ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં હજી તો ચોમાસુ જામ્યું પણ નથી. ત્યારે રાજકોટના સામાન્ય વરસાદમાં મહાનગપાલિકાએ કરેલી પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલવા લાગી છે. રાજકોટમાં ગઈકાલે માત્ર એક ઈંચ વરસાદમાં ઠેર ઠેર રસ્તાઓમાં વાહનો ફસાઇા હતા. જેમાં આજે 3 સ્કૂલ બસ કાદવમાં ફસાઈ હતી તો ગઈકાલે 4 કાર રસ્તાઓમાં ફસાઇ હતી.
- Advertisement -
રાજકોટ શહેરમાં માત્ર એક ઇંચ વરસાદ વરસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો તંત્રના વાંકે આવી રહ્યો છે. તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના દાવા બે મહિના અગાઉ કરવામાં આવ્યા હતા. પરંતુ સીઝનના પ્રથમ વરસાદે માત્ર એક ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખોલી દીધી છે. આજે સવારે અલગ અલગ ત્રણ વિસ્તારમાં સવારના સમયે બાળકોને સ્કૂલે જવા માટે તેડવા જતી સ્કૂલ બસ કાદવમાં ફસાઇ હતી. જેને મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી. શહેરના મવડી વિસ્તારમાં નચિકેતા સ્કૂલની બસ કાદવમાં ફસાઇ હતી જ્યારે મોદી સ્કૂલની બસ દોશી હોસ્પિટલ નજીક વિસ્તારમાં કાદવમાં ફસાઈ હતી. તેમજ મોટા મવા વિસ્તારમાં આવેલી રુચિ રેસિડેન્સી પાસે ગ્રીનવૂડ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ કાદવમાં ફસાઇ હતી.