દુનિયાભરના અમીરોમાં સૌથી વધુ કમાણી ગૌતમ અદાણીએ કરી : કુલ સંપત્તિ 99.1 અબજ ડોલર થઇ
એકાદ વર્ષ સુધી વિવાદને કારણે ઉથલપાથલના પડકારજનક દૌરમાંથી પસાર થયેલા ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી વખત દુનિયાના સૌથી ધનવાનોના લીસ્ટમાં આગળ વધવા લાગ્યા છે.
- Advertisement -
મંગળવારે અદાણી ગ્રુપના તમામ શેરોમાં જોરદાર ઉછાળો આવતા એક જ દિવસમાં તેમની સંપતિમાં 4.22 અબજ ડોલરનો વધારો થયો હતો.આ સાથે જ અમીરોના લીસ્ટમાં એક દિવસની કમાણીમાં ગૌતમ અદાણી ટોપ પર પહોંચી ગયા હતા. જોકે ધનવાનોના લીસ્ટમાં તેમના સ્થાનમાં કોઇ ફેરફાર થયો ન હતો. બ્લુમબર્ગ બિલીયોનર ઇન્ડેક્ષના છેલ્લા અપડેટ પ્રમાણે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 99.1 અબજ ડોલર થઇ ગઇ છે અને દુનિયાન સૌથી ધનવાનોની યાદીમાં 1પમાં સ્થાને છે. એક જ દિવસની કમાણીમાં ગઇકાલે લેરી એલીસન બીજા નંબરે રહ્યા હતા અને ગઇકાલે એક જ દિવસમાં તેમની સંપતિ 4.05 અબજ ડોલર વધી હતી.
દુનિયાના ધનવાનોની યાદીમાં એલીસન દસમો નંબર ધરાવે છે. એલન મસ્કની સંપતિમાં પણ ગઇકાલે એક જ દિવસમાં 4.05 અબજ ડોલરનો વધારો થયો હતો અને તેમની સંપતિ 190 અબજ ડોલર થઇ હતી.ધનવાનોની યાદીમાં તેઓ ત્રીજુ સ્થાન ધરાવે છે. વિશ્વના સૌથી ધનવાન બનાર્ડ આર્નોલ્ટની સંપતિમાં મંગળવારે 2.94 અબજ ડોલરનો વધારો થયો હતો અને તેમની કુલ સંપતિ 222 અબજ ડોલર થઇ હતી.
દુનિયાના ધનવાનોમાં 11મો ક્રમ ધરાવતા રીલાયન્સના મુકેશ અંબાણીની સંપતિમાં મંગળવાર 1.58 અબજ ડોલરનો વધારો થયો હતો અને કુલ સંપતિ 109 અબજ ડોલર થઇ છે. મંગળવારે અદાણી ગ્રુપના તમામ શેરોમાં જોરદાર તેજી થઇ હતી અને તેના કારણે દુનિયાભરમાં એક જ દિવસમાં સૌથી વધુ કમાણી ગૌતમ અદાણીના નામે રહી હતી.