- 2 મેડિકલ ઓફિસર્સ અને 64 પેરામેડિકલ સ્ટાફ સાથે 32 ટીમે સર્વે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
કલોલ પૂર્વના રોગચાળાગ્રસ્ત વિસ્તારમાંથી કોલેરાના 2 કેસ સામે આવ્યા છે. જેને પગલે અહીં 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. જેમાં મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે કામગીરી સોંપાઈ છે. છેલ્લા 1 અઠવાડિયાથી અહીં ઝાડા-ઊલ્ટીના કેસો થંભવાનું નામ નથી લઈ રહ્યાં. ગત સોમવારે નવા 9 કેસ સાથે કુલ કેસનો આંકડો 201 પર પહોંચ્યો છે. કોલેરાના નવા કેસમાં એક 3 વર્ષનો બાળક અને 22 વર્ષની યુવતીનો સમાવેશ થાય છે.
કલોલના પૂર્વ વિસ્તારમાં 15 જેટલી સોસાટીના વિસ્તારમાંથી 27 ફેબ્રુઆરીના રોજ એક જ દિવસમાં ઝાડા-ઊલટીના 36 કેસો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. સંભવિત દૂષિત પાણીના કારણે ફેલાયેલા રોગચાળાને પગલે એક અઠવાડિયાથી ઝાડા-ઊલટીના કેસો સામે આવી રહ્યાં છે. પેન્ડિંગ રહેલાં 2 રિપોર્ટ સોમવારે આવ્યા હતા. જેમાં બંને કેસ કોલેરા પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું.જેમાંથી એક ત્રણ વર્ષનું બાળક છે,
- Advertisement -
જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્ટેબલ છે. જ્યારે 22 વર્ષની યુવતીને પણ કોલેરા હોવાનું સામે આવ્યું છે. યુવતીને હોસ્પિટલમાં રજા પણ આપી દેવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ અંગે જિલ્લા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને પગલે કલેક્ટર મેહુલ દવે દ્વારા અહીં ત્રિકમનગર મજૂર હાઉસિંગ સોસાયટીના આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર 3 મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં
આવ્યો છે.