ગૌશાળાના લાભાર્થે 1 ફેબ્રુઆરીએ રીબડામાં સંતવાણી : કેમ્પમાં રજિસ્ટ્રેશન માટે પડાપડી
ખાસ-ખબર સંવાદદાતા
રિબડા ખાતે 1 ફેબ્રુઆરીએ પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથીએ થેલેસેમિયા પીડિત અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પુણ્યતિથિએ માનવસેવા, ગૌસેવા અને રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાન માજી ધારાસભ્ય સ્વ.મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજાની પ્રથમ પૂણ્યતિથિના સ્મરણાર્થે માનવસેવા તથા ગૌસેવા સહિતના સદ્દકાર્યો ચાલી રહ્યા છે. આ સત્કાર્યોને આગળ વધારવાની ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને અન્ય ગંભીર બિમારી ધરાવતા દર્દીઓનાં લાભાર્થે પ્રથમ મહા રક્તદાન કેમ્પનું આયોજન 1 ફેબ્રુઆરીને ગુરૂવારે સવારે 6.00 થી બપોરે 2.00 કલાક સુધી મહારાજ બજરંગબલી મંદિર પાસે, નેશનલ હાઇ-વે રીબડા ખાતે કરવામાં આવ્યું છે. આ સત્કાર્યમો ભાગ લેનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ વિશેષરૂપથી સ્મૃતિચિન્હ શૂભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવશે.
આ સામાજિક ઉત્તરદાયિત્વનાં કાર્યક્રમની સવિસ્તાર માહિતી આપતા રાજદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મહિપતસિંહ બાપુના સેવાભાવી જીવનમાંથી પ્રેરણા મેળવી માનવસેવા તથા ગૌસેવાનું પ્રથમ પૂણ્યતિથિએ આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ તાલુકાની નામાંકિત તમામ ગૌશાળાના લાભાર્થે 1 ફેબ્રુઆરીને ગુરૂવારે રાત્રે 9 કલાકે મહારાજ બજરંગબલી મંદિર પાસે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, યોગેશદાન બોક્સા અને સાંઇરામ દવે સંતવાણી સાથે લોકસાહિત્યનો રસથાળ પીરસશે. જાડેજા પરિવારે ઉપરોક્ત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી જનસેવા કાર્યમાં સહભાગી થવા ઉપરાંત ડાયરાની સંગત માણવા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. આર.એ.આર. ફાઉન્ડેશનના પ્રણેતા રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે યુવાનો- રક્તદાતાઓમાં ભારે જૂવાળ જોવા મળી રહ્યો છે.
રક્તદાન માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રક્તદાન માટે રાહ જોવી ન પડે. અને વ્યવસ્થા સુચારુરૂપે જળવાઇ રહે તે માટે રક્તદાતાઓ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 78480 00007 અથવા મો.નં. 77248 07777 નો સંપર્ક કરી નામ નોંધાવવા આયોજકોએ જાહેર અનુરોધ કર્યો છે.


