છેવાડાના વિસ્તારમાં પોલીસના નબળા પેટ્રોલિંગનો ફાયદો ઉઠાવતા તસ્કરો: અન્ય એક ઘરના તાળા તોડ્યા, પણ ફોગટ ફેરો : તાલુકા પોલીસમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધતી જતી ઠંડી વચ્ચે પોલીસના નબળા પેટ્રોલિંગનો તસ્કરો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે તસ્કરોને જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીઓને અંજામ આપી રહ્યા છે ત્યારે શહેરના કાલાવડ રોડ પરના વિસ્તારમાં આવેલી ગોકુલમ હાઉસિંગ સોસાયટીના બે મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત 9.49 લાખનો હાથફેરો કર્યા બાદ અન્ય એક મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.
રાજકોટના કાલાવડ રોડ સાંઝા ચુલા હોટેલ પાછળ આવેલી ગોકુલમ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં બીજા માળે રહેતા જયોત્સનાબેન લાલજીભાઈ બગડાએ ચોરી અંગે તાલુકા પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.10ના હું અને મારા પતિ જુનાગઢ મારા માવતરના ઘરે ગયા હતા અને તા.11ના જૂનાગઢ હતા ત્યારે પાડોશી પ્રવિણભાઈનો પતિના ફોનમાં ફોન આવેલ અને કહ્યું કે તમારા ઘરના તાળા તૂટેલા છે જેથી જૂનાગઢથી નીકળી ઘરે આવી તપાસ કરતા લોખંડના કબાટનો લોક તૂટેલો જોવા મળ્યો હતો અને સામાન વેર-વિખેર હાલતમાં હતો જેથી તીજોરીમાં તપાસ કરતા રોકડા 1.25 લાખ, 4.50 લાખનો સોનાનો હાર તથા બુટી, 70 હજારની વીંટી, 1.20 લાખના સોનાના પાટલા, 20 હજારના 4 નાકના દાણા, 20 હજારની સોનાની નાની વિંટી, ચાંદીની બંગડી, ચાંદીના સાંકળા, સહિત 9.34 લાખની મતા તસ્કરો ચોરી કરી ગયાનું જાણવા મળ્યું હતું તેમજ બાજુની એકલવ્ય સોસાયટીમાં રહેતા મોહિતભાઈના ઘરમાંથી રોકડ 15 હજારની ચોરી થઇ હોવાનું તથા રેખાબેન રાઠોડના ઘરના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળતા અંતે ફરિયાદ નોંધાવતા પીઆઇ હરીપરા સહિતે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.



