કેબિનમાં દબાયેલા લોકોની અસહ્ય પીડા સાથે ચીસાચીસઃ હચમચાવનારા દૃશ્યો
ટ્રક નીચે દબાયેલા લોકોને ક્રેનની મદદથી બહાર કઢાયા : SP
- Advertisement -
કચ્છના ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર આજે (૯ ઓક્ટોબર) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભારી ટ્રક અને પીકઅપ બોલેરો વચ્ચે થયેલી ગમખ્વાર ટક્કરમાં બોલેરોમાં સવાર ૭ શ્રમિકોના કરુણ મોત નીપજ્યાં છે. અકસ્માત સમયે બોલેરો વાહનમાં ૧૫થી વધુ શ્રમિકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. બોલેરોની કેબિન બેવડાઈ જતાં અને ટ્રક નીચે દબાઈ જતાં અસહ્ય પીડાથી ચીસાચીસ પાડતા લોકોના કરુણ દૃશ્યો જોઈને હાજર લોકોમાં ભારે કંપારી છૂટી ગઈ હતી. કચ્છ કલેકટર અનિલ રાણાવસિયાએ ભુજ હોસ્પિટલ ખાતે આપેલા નિવેદનમાં કહ્યું કે બોલેરોમાં લગભગ ૩૦ જેટલા લોકો હતા અને તેમાંથી ૭ના મોત થયા છે. અન્ય ઈજાગ્રસ્ત થયા છે તેમને ભુજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડાએ જણાવ્યું કે આ અકસ્માત સમયે આરી પાર્ક ચેકપોસ્ટ પર ચૈનાત પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આજુબાજુના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ક્રેન અરેન્જ કરી ટ્રક નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા. ભુજની સિવિલ હોસ્પિટલમાં ૨૦ થી ૨૨ લોકોની સારવાર ચાલુ છે.




