50 ટકા બુથ ઉપર વેબ કાસ્ટિંગ કરાશે
મોરબી બેઠક પર 17 ઉમેદવારોને કારણે દરેક બુથમાં બે બેલેટ યુનિટ રખાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં હવે પ્રચાર પડઘમ શાંત થયા બાદ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આજે બુધવારે સવારથી ત્રણેય બેઠકના રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર ખાતે ઇવીએમ સાથે પોલિંગ સ્ટાફ પહોંચી ગયો છે. મોરબી જિલ્લાના 906 બુથ પર ચૂંટણી કાર્ય માટે આજથી 4300 કર્મચારીઓએ હાજર થઈને મોરચો સંભાળી લેશે. મોરબી જીલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે બુધવારે અને મતદાનના દિવસે ગુરુવારે બે દિવસ સુધી ચૂંટણી કાર્યનો ધમધમાટ ચાલશે. મોરબી માળિયા બેઠક પર આર. ઓ. ડી.એ. ઝાલાએ માહિતી આપી હતી કે, 299 બુથમાંથી 31 સંવેદનશીલ બુથ છે અને 150 જેટલા બૂથમાં વેબ કાસ્ટિંગ કરવામાં આવશે તેમજ 1300 થી વધુનો પોલીંગ સ્ટાફ આજથી હાજર થઈ જશે. કુલ 29 ઝોન પાડી 50 બસમાં ઈવીએમ સહિતની ચૂંટણીને લગતી સામગ્રી પહોંચાડવામાં આવી છે. ઘુંટુ ખાતે સરકારી પોલીટેક્નિક કોલેજમાં આવેલ રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર ખાતે ઈવીએમ સાથે આજે બુધવારે સવારથી જ તમામ પોલિંગ સ્ટાફને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે રૂટ મુજબ રવાના કરાયા હતા. ટંકારા પડધરી બેઠક ઉપર ચૂંટણી અધિકારી ડી. સી. પરમારે જણાવ્યું હતું કે, પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ટંકારા બેઠક પર 300 જેટલા બુથ, 48 સંવેદનશીલ બુથ, 196 જેટલા સ્થળ, 1600 પોલિંગ સ્ટાફ તેમજ 37 જેટલા ઝોન ગોઠવવામાં આવ્યા છે. 57 બસમાં ઈવીએમ સહિતની સામગ્રી સાથે આજે સવારથી તમામ પોલિંગ સ્ટાફ બુથ પર પહોંચી ગયો છે. 150 જેટલા બુથ ઉપર વેબ કાસ્ટીગ કરવામાં આવશે જેનું લાઈવ પ્રસારણ સ્થાનિક ચૂંટણી તંત્ર અને રાજ્યનું ચૂંટણી તંત્ર નિહાળીને બાજ નજર રાખી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વાંકાનેર કુવાડવા બેઠક અંગે ચૂંટણી અધિકારી શેરસિયાએ જણાવ્યું હતું કે, 307 મતદાન બુથ, 69 સંવેદનશીલ બુથ, 201 સ્થળ, 153 બુથમાં વેબ કાસ્ટિંગ, 37 રૂટમાં 1500 જેટલા પોલિંગ સ્ટાફ ગોઠવવામાં આવ્યા છે. આ રીતે જીલ્લાની ત્રણેય બેઠકો પર તમામ બુથ પર પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ, હોમગાર્ડસ, અર્ધ લશ્કરી દળ આજે બુધવારે જ ચૂંટણી મોરચે હાજર થઈ ચૂંટણી કાર્યમાં જોડાઈ ગયો છે.