ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે બંધ, ચારધામ યાત્રા અટકી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઊભી થઈ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઈ ગયો છે. જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નીકળેલા બનાસકાંઠા પાલનપુરના 40 શ્રદ્ધાળુઓ પણ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે. આ માર્ગ પર ભૂસ્ખલનના કારણે મોટી શીલાઓ રસ્તા ઉપર પડતાં રસ્તો બંધ થઈ ગયો છે.
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી અને કાલી નદીઓમાં પૂર આવ્યું છે. પ્રશાસને લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરી છે. ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ પણ બંધ છે. ચારધામ યાત્રા રોકી દેવામાં આવી છે.
થરાલી ચેપડો પાસે થરાલી દેવાલ મોટર માર્ગ પર ભૂસ્ખલનના લીધે ચીડના બે મોટા વૃક્ષો રસ્તા પડી ગયા હોવાથી 12 કલાકથી રસ્તો બંધ છે. જેસીબીની મદદથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળતા મળી છે. જ્યારે કર્ણપ્રયાગ પાસે ચટવાપીપલમાં બદ્રીનાથ હાઇવે બંધ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. યમુનોત્રી હાઇવે પર પથ્થરો ધસી પડતાં ઠેર-ઠેર હાઇવે બંધ છે, જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે-સાથે સ્થાનિક લોકો પણ હાઇવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે. યમુનોત્રી હાઇવે રાડી નજીક બંધ થતાં યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે.
શનિવારે ભારે વરસાદના કારણે બદ્રીનાથ નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેથી લામબગડ, નંદપ્રયાગ, સોનાલ અને બૈરાજ કુંજમાં રસ્તા બ્લોક થઇ ગયા છે. ભૂસ્ખલનના લીધે સાકોટ અને નંદપ્રયાગ વચ્ચે વૈકલ્પિક માર્ગ પણ બંધ થઈ ગયો છે.
ઉત્તરાખંડમાં એલર્ટ જાહેર ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના સ્થળોએ ભારે વરસાદના લીધે એસડીઆરએફની ટીમો અને જિલ્લાધિકારીઓને હાઇએલર્ટ પર રહેવાની સૂચના આપી છે. ચમોલી પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં ભારે વરસાદના લીધે બદ્રીનાથ નેશનલ હાઇવે પર ઠેર-ઠેર ભૂસ્ખલન થયું છે, જેથી ઘણા રસ્તા બ્લોક થઇ ચૂક્યા છે. સુરક્ષા માટે ચમોલી પોલીસ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ કરી રહી છે.