ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના આશરે 1,42,339 ખેડૂતોના ખાતામાં રૂ. 2000 લેખે કુલ રૂ. 29.63 કરોડથી વધુની રકમ સીધી જમા થઈ છે.
મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો મિલેટ મહોત્સવ અને પીએમ કિસાન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂતોએ વડાપ્રધાનનું પ્રેરક સંબોધન વર્ચ્યુઅલી નિહાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મિલેટ્સની વાનગીઓ, આધુનિક કૃષિ ઓજારો અને ખેતીલક્ષી ઉત્પાદનોના સ્ટોલનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું કે, સરકાર ખેડૂતોની પડખે રહીને પારદર્શક સહાય પૂરી પાડી રહી છે. કુદરતી આપદા સમયે જાહેર કરાયેલ રૂ. 10 હજાર કરોડનું પેકેજ, ટેકાના ભાવે મગફળી-તુવેરની ખરીદી, ખાતર અને ટ્રેક્ટરમાં સબસિડી તથા 4 લાખનો અકસ્માત વીમો જેવી યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂૂપ છે. તેમણે વધુમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી અને સુદ્રઢ કાયદો-વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુ કહ્યું કે, ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ (જુવાર-બાજરી જેવા જાડા ધાન્ય) તરફ વળવા અનુરોધ કર્યો હતો. કૃષિ વૈજ્ઞાનિક ડો. ડી.આર. વઘાસિયા અને પ્રગતિશીલ ખેડૂતોએ આ વિષય પર ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડા સહિત કેશોદ, માંગરોળ, માળિયા હાટીના, માણાવદર જેવા અન્ય તાલુકાઓમાં પણ મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.



