નિતાંતરીત:નીતા દવે
આપણે બધાએ જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈક પાસેથી આ વાક્ય સાંભળ્યું જ હશે કે તમે એટલી સહજતાથી તો મને નહીં જ ભૂલી શકો..! કોઇ અંગતના જતા પહેલા બોલાયેલું છેલ્લું વાકય..! ભૂલી જવાનો પર્યાય જુદાઈ એવો થાય.કેમ કે, યાદ એ જ આવે જે દૂર હોય.સહજ રીતે પ્રાપ્ય હોય એવી વ્યક્તિ કે પરિસ્થિતિને આપણે ક્યારેય યાદ કરતા નથી.એ વ્યક્તિ અને તેની હાજરી આપણા માટે શાશ્વત જ છે એવી હૈયાધારણાં બાંધી ને બેઠા હોઈએ છીએ.પરંતુ પરિસ્થિતિઓ વિષમ બને અને જ્યારે કોઈ લાગણી કે સંબંધનો વિચ્છેદ થાય ત્યારે પરસ્પર બન્ને લોકો એકબીજા માટે યાદ બની જતા હોય છે.એ યાદ જે ભૂલવી ખૂબ કઠિન હોય છે. કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિત્વ અથવા કોઈ લાગણી એટલી જ નજીકથી અનુભવાય જેટલી તેની ગેરહાજરી સહજ રીતે સ્વીકારી શકો..! કેમકે, યાદ એ જ આવે છે,જેની ભૂલી જવાની શક્યતાઓ નહિવત્ હોયઅને વિટંબણા પણ એ જ હોય છે કે ભૂલાતું એ જ નથી જે યાદોમાં ઘર કરીને બેઠું હોય..!
- Advertisement -
આજના આ ભાગતા દોડતા સમયમાં લોકો પાસે સાચી લાગણી અને નિસ્વાર્થ પ્રેમની અપેક્ષા ખૂબ જ દુ:ખદાયી નીવડે છે.કેમકે આપણે બધા જ ઉંમરના કોઈપણ તબક્કામાં હોઈએ છતાં એક એવું ખાલીપણું સાથે લઈને જીવીએ છીએ કે જ્યાં માત્ર આપણા અતિત ના અવકાશ સિવાય કોઈને અંદર આવવાની અનુમતી ન હોય.! યાદોમાં એવી તાકાત હોય છે કે તે ભૂતકાળને જીવંત કરી શકે. એ ક્ષણોને ફરી ધબકતી કરી દે અને એ અનુભૂતિ નો સાક્ષાત્કાર પણ કરાવી શકે. પરંતુ આપણી અંદર બેઠેલું એ નાનકડું બાળક આ દરવાજો ખોલતા પણ ડર અનુભવતું હોય છે. આમ જોઇએ તો દરેક પરિપક્વ વ્યક્તિની અંદર એક નાનું બાળક જીવતું હોય છે. એ બાળક જે કાયમ સમજણનો ભાર વેઠતું હોય છે. ઉંમરના કોઈપણ પડાવે પહોંચ્યા પછી જ્યારે એ બાળકને ફરી પાછું બાલ્યાવસ્થામાં જવાનું મન થાય ભૂતકાળ ને ફરી જીવવાનું મન થાય ત્યારે કમસેકમ એક વ્યક્તિ તમારા જીવનમાં એવું હોવું જોઈએ કે જેની પાસે તમે ફરી બાળપણ જીવી શકો.! જ્યાં તમે કારણ વગર હસી શકો અને સાંબેલા ધારે મન ખોલીને રડી શકો.. એ કારણ નહિ પૂછે કે કેમ અને શું કામ..? પણ એ માત્ર તમારી સાથે રહેશે બસ એમ જ ચૂપચાપ.!તમારી તકલીફ માટે શબ્દોનું આશ્વાસન નહીં આપે પણ સ્નેહાળ મૌન ની હુંફ આપશે.. એ તમારી ના ને પણ તમારો અહંકાર નહીં સમજે, પણ તમારી વણકહેલ પરિસ્થિતિ ને સમજશે.! જેની સાથે ગુસ્સો કે લડાઈ કરતા એવી અસલામતીના અનુભવાય કે એ મને છોડી દેશે તો..?એક એવું નામ જેને તકિયા નું કવર બનાવી આરામથી ઊંઘી શકાય., અને એ જ કવર ને અંધારી રાતે આંસુ થી ભીનું પણ કરી શકાય.!આવી નિસ્વાર્થ લાગણીથી જીવનનો સંબંધ વ્યક્તિ આજીવન ભૂલી શકતી નથી. ક્યારેક સંજોગો વસાત જીવન માંથી એ વ્યક્તિ ની બાદબાકી થાય તો જીવન દુ:ખદાયક બની જતું હોય છે. કેમકે, જીવનમાં આવેલી આવી વ્યક્તિનાં સ્પર્શ ને ભૂલવું કદાચ સહેલું બને પરંતુ વ્યક્તિત્વ નાં સ્પંદનને ભૂલવું ખૂબ વસમું બની જતું હોય છે.
મરણ કરતાં પણ સ્મરણ વધારે પીડાદાયક હોય છે. કેમકે મૃત્યુ તો માત્ર ક્ષણભર પૂરતું હોય છે.જ્યારે સ્મરણ ક્ષણે ક્ષણે મરણ તુલ્ય તકલીફ આપે છે. મૃત્યુ એ સ્વજનની અંતિમ વિદાય હોય છે.પરંતુ સ્મરણમાં રહેલું સ્વજન પળે પળ વિદાય ની અનુભૂતિ કરાવતું હોય છે.
આપણા ચિકિત્સા શાસ્ત્રમાં ભૂલી જવાની આદત ને એક બીમારી કહી છે.પરંતુ ખરા અર્થમાં જોઈએ તો વિસ્મૃતિ એ એક ઈશ્વરીય વરદાન છે. બહુ જ તકલીફ માં રહે છે એ લોકો જેની યાદશક્તિ ખૂબ સારી હોય..! જે ઈચ્છવા છતાં પણ અતીતને પોતાનાં સ્મરણમાંથી બાદ કરી શકતા નથી.
- Advertisement -
કોઈ ભલે કહે પણ અંતર સુધી સ્પર્શેલા સ્પંદનો ને ક્યાં ભૂલી શકાય છે..? ભૂલી જવું ક્યાં એટલું સરળ હોય છે.? સ્મરણનું દુ:ખ કદાચ અપરંપાર હોય છતાં પણ વિસ્મરણ પણ ક્યાં સુખ આપે છે..?જો વિસ્મૃતિ એટલી જ સુખદ હોત તો જીવનના અંતિમ શ્વાસે હૃદયમાં અટકેલો શ્વાસ અને આંખમાં વસેલી છબી શા માટે એ વીતેલા અતિત ને શોધત.? ભૂલવું એટલું સહજ હોય તો શાં માટે આ જન્મ માં અધૂરી છૂટેલી લાગણીઓ ને નવા જન્મે પુનર્જિત થવું પડે..? ખરેખર તો સત્ય એ છે કે જેવી રીતે સમયનું મૃત્યુ નથી તેવી જ રીતે સ્મરણ પણ ક્યારેય મરણ પામતું નથી.
દુનિયાની રીતથી જુદા હોય છે લાગણીના સંબંધોમિત્રો,પતિ પત્ની, કે પ્રેમનાં સંબંધોઅતીત હંમેશા વર્તમાન ના ગર્ભમાંથી જ જન્મ લેતું હોય છે.આથી જે કંઈ પણ ખુશી,આનંદ ,જીવનની સાચી મજા છે તે બસ આજે અને અત્યારે આ ક્ષણ માં જ છે.સંવેદનશીલ સંબંધ સ્મરણ બની જાય એ પહેલા એ સ્વજનને અંતરે જતા રોકી લેવું.બાકી પછી સમય વીતી જાય છે જોઅને તોનાં અફસોસમાંપરંતું સ્મરણો ક્યારે પણ વિતતા નથી. કેમકે યાદો ને અમરત્વ મળેલું હોય છે.