નવરાત્રિ પ્રેરિત ખાદી પોશાક, એસેસરીઝ, વસ્તુઓ તૈયાર કરી સર્જનાત્મકતાને
દર્શાવી ‘સ્વરાજથી સ્વરોજગાર’ને સાર્થક કરતાં NIFDના વિદ્યાર્થીઓ
નવરાત્રિમાં યુવાનો ગરબે ઘૂમે ત્યારે ગરબાની સાથે ખાદીને અપનાવે તેવો અનોખો વિચાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
શું તમે કદી વિચાર્યું છે કે ખાદીમાંથી નવરાત્રિને અનુરૂપ વસ્ત્રો બની શકે? જી, હા. રાજકોટ ખાતે ફેશન અને ઈન્ટીરીયર ડિઝાઇન ક્ષેત્રે દેશના ભાવિને તૈયાર કરી શિક્ષણ આપતી અગ્રીમ સંસ્થા NIFD (નેશનલ ઈન્સ્ટીટયૂય ઓફ ફેશન ડિઝાઈન)ના વિદ્યાર્થીઓએ આ વિચારનો સાક્ષાત્કાર કરી ખાદીમાંથી અલગ અલગ નવરાત્રિને અનુરૂપ વસ્ત્રો ડિઝાઈન કરી જાતે જ બનાવી નવરાત્રિમાં ખાદીના વસ્ત્રોનો નવો જ આઈડિયા લાવ્યા છે. એટલું જ નહીં ઈન્ટીરીયર ડિઝાઈનના વિદ્યાર્થીઓએ પણ તેની કલાનો પરિચય આપી ખાદીમાંથી નવરાત્રિને અનુરૂપ વસ્તુઓ બનાવી છે. NIFDના વિદ્યાર્થીઓએ આ વખતે મહાત્માની ખાદીથી મહાશક્તિની ઉપાસના કરવાનો અલગ જ પ્રયાસ કર્યો છે ત્યારે આ તમામ ખાદી પોશાક, એસેસરીઝ અને તમામ વસ્તુઓની ઓનલાઈન ખરીદી થઈ શકશે.
NIFD રાજકોટના ડિરેકટર નૌશિકભાઈ પટેલ અને પાયલબેન પટેલે જણાવ્યું હતું કે આપણી નવરાત્રિની પરંપરા જાળવી તેમાં નવીનતા લાવવા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતી અને નવરાત્રિનો સંયોગ કરી 100થી વધુ વિદ્યાર્થીઓએ 15 જ દિવસમાં ખાદીમાંથી અદ્ભુત નવરાત્રિને અનુરૂપ વસ્ત્રો અને ઈન્ટીરીયર ડિઝાઈન કર્યા હતાં. જેમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓએ તેને આકાર આપી વાઈબ્રન્ટ નવરાત્રિ પ્રેરિત ખાદી પોશાક કે એસેસરીઝ તૈયાર કરી તેમની સર્જનાત્મકતાને દર્શાવી ‘સ્વરાજથી સ્વરોજગાર’ને સાર્થક કર્યું. આ વખતે ગાંધી જયંતી અને નવરાત્રિનો સંયોગ હોય યુવાઓ પણ ખાદીને વધુ ને વધુ અપનાવતા થાય તેવા હેતુ સાથે ગઈંઋઉ રાજકોટના વિદ્યાર્થીઓ જરા હટકે વિચારને અમલમાં મૂક્યો છે.
નવરાત્રિમાં યુવા વર્ગને ખાદી પ્રત્યે પ્રોત્સાહન આપવા NIFDના વિદ્યાર્થીઓએ ખાદીમાંથી બેગ્સ, ખાદી ટોપી, સ્કર્ટ, જેકેટ, હુડી, શર્ટ ડ્રેસ ચણીયા-ચોળી, ટોપ, દુપટ્ટા સહિત અનેક વસ્ત્રો બનાવી નવરાત્રિમાં ભારતની સાદગી અને શૈલીના વારસાને જાળવી શણગાર્યા. જેમાં વિવિધ ભાષામાં મા શક્તિના નામ, બંગડીમાંથી શર્ટ ડિઝાઈન સહિત અકલ્પનીય વસ્ત્રો સજાવ્યા છે. એ જ રીતે ઈન્ટીરીયર ડિઝાઈનના વિદ્યાર્થીઓએ ખાદીના કાપડ પર નાડાછડીમાંથી અદ્ભુત શ્રીયંત્ર, હાથથી પેઈન્ટ કરેલ ખાદીના પડદા, ખાદીની ફોટોફ્રેમ, ખાદીના ટેબલ મેટ, કુશન કવર સહિત વસ્તુઓ બનાવી નવી જનરેશન માટે ખાદીને નવા રૂપ-રંગમાં પીરસવાની કોશિશ કરી છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન ‘વોકલ ફોર લોકલ’, ‘આત્મનિર્ભર ભારત’, ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’ અને સ્ત્રી સશક્તિકરણને NIFDના વિદ્યાર્થીઓ રિયા, ઈશા, ઈશ્ર્વા, ભવાની, બીનીતા, ચાંદની, જિયા, ધ્રુવી, દિપ્તી, ઈતિશા, જેતાંશી, ખ્યાતી, ક્રિષ્ના, મિત્સુ, પીનલ, રૂતુરાજ, સપના, દૃષ્ટી, સોનલ, દિશા, ક્રિષા વગેરેએ શિક્ષિકા ઈશિતાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જાતે જ સ્ટીચીંગ, ડિઝાઈનીંગ, થીમ અને કલર કરી મહાત્માની ખાદીને મહાશક્તિના પર્વને અનુરૂપ બનાવી નવો જ લુક આપ્યો હતો. NIFDના વિદ્યાર્થીઓએ ખાદી ફોર નવરાત્રિના નવા વિચારને વહેતો મૂક્યો હતો. વધુ વિગત માટે 9898222999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.