અમદાવાદ-વડોદરા કોર્પોરેશન દ્વારા ચાની દુકાન અને કીટલી પર તવાઈ

પ્લાસ્ટિકના કપની જેમ પેપરકપ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક, પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક તત્વોના કારણે ગરમ પ્રવાહી પદાર્થ દુષિત થાય છે

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં શેરી-ગલીએ ચાની હોટેલો અને દુકાનો આવેલી છે ત્યાં રોજ હજ્જારો પેપરકપ અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ થાય છે જે હાનિકારક છે. અમદાવાદ સહિતના શહેરોમાં હાલ ચાની હોટલો તથા કીટલીઓ પર પેપરકપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ત્યારે આની અમલવારી રાજકોટમાં ક્યારે થશે તે જોવું રહ્યું. કારણ કે પ્લાસ્ટિકના કપના પ્રતિબંધ બાદ પેપરકપ પર પ્રતિબંધ આવી શકે છે. વૈજ્ઞાનિક તારણ મુજબ પેપરકપ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રાજકોટમાં પણ ચાની હોટેલો પર રોજ હજ્જારો પેપરકપમાં ચા પીરસાય રહી છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો તેને પણ અમદાવાદમાં જેમ કડક અમલવારીથી બંધ કરાવી તે રીતે રાજકોટ મનપા તંત્ર ક્યારે જાગશે તે સવાલ છે. ચાની કીટલીઓ અને લારીધારકો દ્વારા આવી પ્લાસ્ટિકની થેલીમાં ચા ભરીને આપવામાં આવે છે અને તેની સાથે પણ પેપર કપ આપવામાં આવે છે. જેને લોકો રોડ ઉપર ફેંકી અને ગંદકી કરે છે. જેના લીધે પેપરકપ પર પ્રતિબંધ લાદવો જરૂરી છે.

પેપરકપમાં ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક
ઈંઈંઝ ખડગપુરના એક અધ્યયનમાં વાત સામે આવી છે કે, કાગળમાંથી બનેલા યૂઝ એન્ડ થ્રો કપમાં ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને જો કોઈ વ્યક્તિ તેમાં આ કપમાં દિવસમાં ત્રણ વાર ચા પીવે તો તેના શરીરમાં પ્લાસ્ટિકના 75 હજાર સુક્ષ્મ કણ ચાલ્યા જાય છે. ઈંઈંઝ ખડગપુરમાં એસોસિએટ પ્રોફેસર સુધા ગોયલે કહ્યું કે, એકવાર ઉપયોગમાં લેવામાં આવતા કાગળના કપોમાં પીણું પીવું એ એક સામાન્ય વાત છે. અમારા સંશોધનમાં તે વાત ક્ધફર્મ થઈ છે કે આ કપમાં પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક તત્વોના કારણે ગરમ પ્રવાહી પદાર્થ દુષિત થઈ જાય છે. આ કપ બનાવવા માટે સામાન્ય રીતે હાઈડ્રોફોબિક ફિલ્મની પરત ચડાવવા આવે છે જે મુખ્યત: પ્લાસ્ટિકની બનેલી હોય છે. તેની મદદથી કપમાં પ્રવાહી પદાર્થ ટકી રહે છે. આ પરત ગરમ પાણી રાખવા પર 15 મીનિટમાં ઓગળવા લાગે છે.

60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલીઓ પર પ્રતિબંધ
ચાની લારીઓ અને કીટલીઓ પર સંપૂર્ણપણે પેપર કપ અને 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે, તે ગરમ ચાના સંપર્કમાં આવવાથી ચાની અંદર પ્લાસ્ટિકના કણો ભળી જાય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.