પુજારા- 133, 13 ચોગ્ગા, 1 સિક્સ
ખાસ-ખબર સંવાદદાતા
ચેતેશ્ર્વર પુજારાએ એકલા હાથે જોરદાર સંઘર્ષ કરતાં 133 રન નોંધાવીને દુલીપ ટ્રોફીની સેમિ ફાઈનલમાં સેન્ટ્રલ ઝોન સામે વેસ્ટ ઝોનને મજબુત સ્થિતિમાં પહોંચાડી દીધું હતુ. અલૂરમાં ચાલી રહેલી સેમિ ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઝોને બીજી ઈનિંગમાં ત્રીજા દિવસની રમતના અંતે 92 ઓવરમાં 9 વિકેટે 292નો સ્કોર નોંધાવ્યો હતો. આ સાથે તેમની કુલ સરસાઈ 384 રન થઈ ગઈ હતી.
- Advertisement -
વેસ્ટ ઝોનની બીજી ઈનિંગને આજે ત્રીજા દિવસે પુજારા (50) અને સરફરાઝ (6)ની જોડીએ 149/3થી આગળ ધપાવી હતી. વેસ્ટ ઝોને આજના દિવસમાં 143 રન જોડયા હતા અને વધુ 6 વિકેટ ગુમાવી હતી. ટેસ્ટ ટીમમાંથી પડતા મૂકાયેલા પુજારાએ મક્કમ ઈરાદો વ્યક્ત કરતાં 278 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 133 રન નોંધાવ્યા હતા. પુજારાએ અતીત શેઠ (9), ધર્મેન્દ્રસિંહ જાડેજા (9)અને ચિંતન ગજા (4)ની મદદથી સ્કોરને 266 સુધી પહોંચાડયો હતો. આખરે પુજારા અને અર્ઝાન નાગવાસવાલા (16 બોલમાં 1 રન)ની જોડીએ 9મી વિકેટમાં 26 રન જોડયા હતા.
પુજારાની 60મી ફર્સ્ટ ક્લાસ સદી
ચેતેશ્ર્વર પુજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 60મી સદી ફટકારતાં વિજય હઝારેની બરોબરી કરી લીધી હતી. ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ 81 સદી ફટકારવાનો રેકોર્ડ સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકરના નામે સંયુક્તપણે છે. તે પછી દ્રવિડ (68 સદી) અને ત્યાર બાદ પુજારા અને વિજય હઝારે સંયુક્તપણે સ્થાન ધરાવે છે.