મુલ્લા નસીરુદ્દીન એમના ગધેડા પર સવાર થઈને મેળો માણવા ગયા. ભીડમાંથી કોઈ ટીખળીએ સળગતી બીડી ગધેડાની પૂંઠે ચાંપી દીધી.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
ગધેડો એવી રીતે ઉછળ્યો કે એની પીઠ પર બેઠેલા મુલ્લા નસીરુદ્દીનનું શરીર ઊંઘી દિશામાં ફરી ગયું. ગભરાયેલો ગધેડો જ્યાં જગ્યા મળી ત્યાં થઈને ભાગવા લાગ્યો. અવળે ગધેડે બેઠેલા મુલ્લાને જોઈને કોઈ પરિચિતે પૂછ્યું, “મુલ્લા, ક્યાં જઈ રહ્યા છો?” મુલ્લાએ તત્ક્ષણ જવાબ આપ્યો, જે અત્યંત માર્મિક હતો, “આ સવાલ મને નહીં પણ ગધેડાને પૂછો.”
- Advertisement -
“ધર્મ શું છે તે હું જાણું છું, પણ તેનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે તે પણ હું જાણું છું, પણ હું તેને છોડી શકતો નથી.” મહાભારતમાં દુર્યોધન
આપણાં બધાનું પણ મુલ્લા નસીરુદ્દીનની જેવું જ છે. દુનિયા એક વિશાળ મેળો છે, આપણે મેળો માણવા માટે પૃથ્વી પર આવ્યા છીએ. કમનસીબે આપણે મોહ, માયા, લાલચ, અહંકાર આ બધા અંગોથી બનેલા ગધેડા ઉપર સવાર થયેલા છીએ. હવે આપણે ક્યાં જઈશું એ વાત આપણાં હાથમાં નથી રહી. આપણાં દુર્ગુણો, દુન્યવી લાલચો, આપણી અંદર રહેલી નાની-નાની વાસનાઓ અને આપણાં કર્મો નક્કી કરશે ત્યાં આપણે ઘસડાવું પડશે. મુલ્લા નસીરુદ્દીન રમુજના પડીકામાં વિટાંળીને જીવનની શાશ્વત ફિલસૂફીઓ આપી ગયા છે.
મુલ્લા નસીરુદ્દીન પાસે બચવા માટેનો એક જ રસ્તો હતો કે ગધેડાની પીઠ પરથી ભૂસકો મારીને ઉતરી જવું. આપણી પાસે પણ એ જ રસ્તો બચ્યો છે. વિચિત્રતા એ છે કે મોટા ભાગના મનુષ્યો આ સમજે છે છતાં તેનું આચરણ કરી શકતા નથી. મહાભારતમાં દુર્યોધન કહે છે. : “ધર્મ શું છે તે હું જાણું છું, પણ તેનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે તે પણ હું જાણું છું, પણ હું તેને છોડી શકતો નથી.”
- Advertisement -
અંગત અનુભવ કહું તો દાયકાઓ સુધી ખોટા વાહન પર, ખોટી દિશામાં આસન જમાવીને દુનિયાના મેળામાં ખૂબ ભટકતો રહ્યો છું. હવે હિંમત કરીને ભૌતિકતાના વાહન પરથી નીચે ઉતરી ગયો છું. મેળો માણવાની સાચી મજા હવે જ આવી રહી છે.