રાજ્ય સરકારે માસ્ટર પ્લાનમાં મહત્વના બદલાવ કર્યા
ગુજરાતને સ્પોર્ટસ હબ બનાવવાનો ટાર્ગેટ : વેઈટલીફટીંગ ચેમ્પીયનશીપ ઉપરાંત અનેક વૈશ્વિક સ્પર્ધા યોજવા દાવા
સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ સંકુલનુ નિર્માણ 2028માં પુર્ણ કરાશે: અનેકવિધ કાયમી – કામચલાઉ સુવિધા ઉભી કરાશે
2036ની ઓલિમ્પીક ભારતમાં યોજવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો વચ્ચે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ આર્ટસ સંકુલના નિર્માણ માટેનો સમયબદ્ધ કાર્યક્રમ પણ તૈયાર કરી લેવાયો છે. આવતા વર્ષે સ્પોર્ટસ સંકુલનુ નિર્માણ શરૂ થશે અને 2028માં પુર્ણ થશે. રાજય સરકારે માસ્ટરપ્લાનમાં બદલાવ કર્યો છે. ઓલિમ્પીકની યજમાની ભારતને મળવાના સંજોગોમાં રમતજગતનો આ મહાકુંભ ગુજરાત – અમદાવાદમાં યોજવાની તૈયારી હોવાનું ઉલ્લેખનીય છે. ગુજરાત સરકારે ઓલિમ્પિક તૈયારી માટે ઘડેલા માસ્ટરપ્લાનમાં કેટલાંક બદલાવ કર્યા છે.
- Advertisement -
ફુટબોલ, સ્ટેડીયમ તથા બે મલ્ટીપર્પઝ (બહુહેતુક) વિભાગ સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલની બહાર બનાવાશે. જેના કારણે પ્રોજેકટ ખર્ચ રૂા.6000 કરોડથી ઘટીને 4000 કરોડ કરી શકાશે. સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલમાં અનેકવિધ રમતો માટે કાયમી તથા કેટલાંક કામચલાઉ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે. કાયમી સુવિધામાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, 15000 દર્શકોની ક્ષમતા સાથેની મલ્ટીપર્પઝ સેન્ટર 12000 બેઠકોની ક્ષમતા સાથેનું એકવાટીક સેન્ટર તથા એથ્લેટો માટે કાયમી રહેઠાણની સુવિધા સામેલ હશે. કામચલાઉ સુવિધાઓમાં 10000 બેઠક ક્ષમતા સાથેનું વોલીબોલ સેન્ટર, 6000 બેઠક ક્ષમતા સાથે બાસ્કેટબોલ ગ્રાઉન્ડ, 3000 દર્શકોના રહેવાની સુવિધા સામેલ છે.
રાજય સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત વૈશ્વિક સ્પોર્ટસ હબ તરીકેની ઓળખ મેળવવાની તૈયારી કરી જ રહ્યું છે. 2026ની એશિયન વેઈટલીફટીંગ ચેમ્પીયનશીપ ગુજરાતમાં યોજાવાની છે. આ સિવાય એશિયન એકવાટીક ચેમ્પીયનશીપ તથા 2025ની કોમનવેલના વેઈટલીફટીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધા ગુજરાતમાં યોજાવા વાટાઘાટો ચાલી રહી છે. 2028ની અંડર 20 વર્લ્ડ એથ્લેટીક ચેમ્પીયનશીપ સ્પર્ધા માટે દાવો કરાયો છે. 2027માં વર્લ્ડ કોમવેટ ગેમ્સ તથા 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયરગેમ્સ યોજવાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારે ગત ઓકટોબરમાં જ 2036ના ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી નોંધાવી દીધી હતી અને તે ગુજરાતમાં યોજવા ચક્રો ગતિમાન થયા હોવાથી અમદાવાદ ઝળકવા લાગ્યુ હતું. ગુજરાત સરકારે ગુજરાત ઓલિમ્પિક પ્લાનીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર કોર્પોરેશનની રચના પણ કરી દીધી હતી. ઓલિમ્પિક માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા આ નિગમમાં જવાબદારી સોંપવામાં આવી છે.