થાઈલેન્ડમાં રજાઓ માણવા ગયેલી એક રશિયન અભિનેત્રી દરિયાઈ મોજામાં વહી ગઈ હતી. અભિનેત્રીનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે અભિનેત્રી સમુદ્ર કિનારે તેની મેટ પર યોગ કરી રહી હતી. હવે આ ઘટનાના થોડા સમય પહેલા અને પછીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે.
ક્ષણ ભરમાં સમુદ્રના મોજા કામિલાને ખેંચી ગયા
- Advertisement -
24 વર્ષીય અભિનેત્રી કામિલા બેલ્યાત્સ્કાયા તેના બોયફ્રેન્ડ સાથે થાઈલેન્ડમાં રજાઓ માણવા ગઈ હતી. એક અહેવાલ અનુસાર, કામિલાને થાઈલેન્ડના અખાત પાસે કોહ સમુઈ ટાપુ પર ગુલાબી યોગા મેટ પર યોગ અને ધ્યાન કરી રહી હતી. ત્યારે સમુદ્રના મોજા તેને ખેંચી લઇ ગયા હતા. પોલીસે મેળવેલા CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યું હતું કે કામિલા લાલ રંગની કારમાં આવી ડેકીમાંથી મેટ બહાર કાઢતી પણ જોવા મળી હતી. પછી તેણીએ તેની યોગ મેટ લીધી અને વ્યુ પોઈન્ટની નીચે એક ટેકરા પાસે ગઈ હતી. રિપોર્ટ અનુસાર ઘટનાના 15 મિનિટ બાદ રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી હતી. પરંતુ મોજાની ઝડપને કારણે ટીમ અભિનેત્રી સુધી પહોંચી શકી ન હતી.
રેસ્ક્યુ સેન્ટરના વડાએ આપી માહિતી
એક રાહદારી પણ તેને બચાવવા માટે ગયો હતો. પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. મોજામાં વહી ગયા પછી ફક્ત કામિલાની યોગ મેટ જ જોવા મળી હતી. ઘટના બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સામુઈ રેસ્ક્યુ સેન્ટરના વડા ચિયાપોર્ન સબપ્રાસર્ટે જણાવ્યું હતું કે ‘ટાપુના દરિયાકિનારા પર વોર્નિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન અમે પ્રવાસીઓને સતત ચેતવણી આપીએ છીએ. જ્યાં લાલ ધ્વજ લગાવવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે અહીં સ્વિમિંગ પર પ્રતિબંધ છે.’