ઉદ્યોગપતિ એલોન મસ્કને ફટકો આપતાં, યુએસ કોર્ટે તેમની કંપની ટેસ્લાની 55 બિલિયનના પગાર પેકેજની તેમની માંગને ફગાવી દીધી છે. કોર્ટ પહેલાં જ એલોન મસ્કના આટલાં મોટા પગાર પેકેજને ફગાવી ચૂકી છે.
ડેલવેર કોર્ટનાં ચાન્સેલર કેથલીન મેકકોર્મિકે તેમનાં નિર્ણયમાં જણાવ્યું હતું કે કંપનીનાં શેરધારકોના મત હોવા છતાં તે તેનાં જાન્યુઆરીનાં નિર્ણયને બદલશે નહીં. ન્યાયાધીશે જણાવ્યું હતું કે મસ્કનું પગાર પેકેજ ખૂબ વધુ છે જે હિતધારકો માટે યોગ્ય નથી. ન્યાયાધીશ મેકકોર્મિકે નિર્ણયમાં કહ્યું કે ’ટેસ્લાએ પગાર પેકેજ મેળવવા માટે કંપનીનાં હિતધારકોને જે દસ્તાવેજો રજૂ કર્યા છે તેમાં ખામીઓ છે. કંપનીનાં વકીલોએ તેમની દલીલો દર્શાવી છે, પરંતુ તેમનાં સિદ્ધાંતો કાયદાની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં સુધારા પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે.
- Advertisement -
એલોન મસ્કે કોર્ટનાં આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ આ નિર્ણય સામે અપીલ કરશે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ’કંપનીને શેરધારકોના મત દ્વારા નિયંત્રિત કરવી જોઈએ અને ન્યાયાધીશો દ્વારા નહીં.’ અદાલતે મસ્કનો પગાર 340 મિલિયન ડોલર કરવાનો આદેશ આપ્યો હતો, જે ટેસ્લાના શેરહોલ્ડર રિચાર્ડ ટોર્નેટા દ્વારા માગવામાં આવેલાં 5.6 બિલિયન ડોલર કરતાં ઘણો ઓછો હતો.રિચર્ડ ટોરેટ્ટાએ જ પહેલાં મસ્કના જંગી પગાર પેકેજ સામે કોર્ટમાં અપીલ કરી હતી.
તેમની અપીલમાં, ટોર્નેટ્ટાએ દાવો કર્યો હતો કે કંપનીનાં ડિરેક્ટરોને પ્રભાવિત કરીને મસ્કે પોતે જ તેમનું પગાર પેકેજ નક્કી કર્યું હતું. નિયમનકારી ફાઇલિંગમાં, કંપનીનાં 72 ટકા શેરધારકોએ એલોન મસ્કના ભારે પગાર પેકેજને સમર્થન આપ્યું હતું. ઘણાં વિવેચકો મસ્કના પગારને ખૂબ વધારે ગણાવી રહ્યાં છે.
અગાઉ જાન્યુઆરીમાં, ડેલવેર કોર્ટે મસ્કનું 55 બિલિયન પેકેજ રદ કર્યું હતું. તેનાં જાન્યુઆરીનાં નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે મસ્ક અને તેની કંપની ટેસ્લા એ સાબિત કરવામાં નિષ્ફળ ગયાં કે આટલો મોટો પગાર વ્યાજબી છે.જાન્યુઆરીમાં કોર્ટ દ્વારા નિરાશ થયાં પછી, ટેસ્લાએ કહ્યું હતું કે તે આ મુદ્દાને શેરધારકો સુધી લઈ જશે. નોંધનીય છે કે ડેલવેર કોર્ટ ઓફ ચાન્સરી એક સદી કરતાં પણ વધુ સમયથી અમેરિકન મૂડીવાદનો આધારસ્તંભ છે અને યુએસ ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી લગભગ બે તૃતીયાંશ તેનાં અધિકારક્ષેત્ર હેઠળ નોંધાયેલ છે.