વિશ્વના નકશા પર અત્યારે વેનેઝુએલા સૌથી ચર્ચિત દેશ બની ગયો છે, જ્યાં એક તરફ અમેરિકાએ મોટી કાર્યવાહી કરતા દેશના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે, તો બીજી તરફ ત્યાંની માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.
આ ભૌગોલિક-રાજકીય યુદ્ધ અને તેલના ભંડાર પર અમેરિકાના વધતા અંકુશ વચ્ચે વેનેઝુએલાનું શેરબજાર રોકેટની ગતિએ ભાગી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યાં પ્રમુખની ધરપકડથી અરાજકતા ફેલાવાની દહેશત હતી, ત્યાં ‘કરાકસ સ્ટોક એક્સચેન્જ’માં માત્ર એક જ દિવસમાં 50%ની તેજી જોવા મળી છે, જેણે સમગ્ર વિશ્વના રોકાણકારો અને રાજકીય વિશ્લેષકોને સ્તબ્ધ કરી દીધા છે.
- Advertisement -
અણધાર્યો ઉલટફેર: સૈન્ય કાર્યવાહી છતાં બજારમાં તેજી
સામાન્ય રીતે કોઈ દેશમાં સૈન્ય કાર્યવાહી કે પ્રમુખની ધરપકડ જેવી ઘટના બને ત્યારે ત્યાંનું શેરબજાર તૂટી પડતું હોય છે, પરંતુ વેનેઝુએલામાં સ્થિતિ સાવ ઉલટી જોવા મળી છે. વેનેઝુએલાનું મુખ્ય શેરબજાર ‘કરાકસ સ્ટોક એક્સચેન્જ'(Caracas Stock Exchange) અત્યારે રોકેટની ગતિએ વધી રહ્યું છે. માત્ર એક જ દિવસમાં કરાકસ જનરલ ઇન્ડેક્સમાં 50%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
વેનેઝુએલા સ્ટોક માર્કેટ: વિશ્વભરના વિશ્લેષકો માટે કુતૂહલ
- Advertisement -
6 જાન્યુઆરીના રોજ આ ઇન્ડેક્સ 3896.8 પોઈન્ટ પર બંધ થયો હતો. જો 2 જાન્યુઆરીથી અત્યાર સુધીની સરખામણી કરવામાં આવે તો માદુરોની ધરપકડ બાદ બજારમાં 74%થી વધુની તેજી આવી છે. 1947માં સ્થપાયેલું આ દક્ષિણ અમેરિકાનું સૌથી નાનું શેરબજાર અત્યારે વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
પ્રતિબંધોમાંથી મુક્તિની આશા: આંતરરાષ્ટ્રીય રોકાણના દ્વાર ખૂલશે
શેરબજારમાં આવેલી તેજીનું સૌથી મોટું કારણ એ છે કે રોકાણકારો હવે વેનેઝુએલાના ભવિષ્ય પ્રત્યે આશાવાદી બન્યા છે. વર્ષોથી આર્થિક સંકટ અને અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહેલા વેનેઝુએલાના રોકાણકારોને હવે આશા છે કે અમેરિકાની એન્ટ્રીથી દેશમાં રાજકીય સ્થિરતા આવશે. રોકાણકારો માને છે કે માદુરો શાસનના અંત સાથે જ વેનેઝુએલા પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટશે, જેથી વિદેશી રોકાણ વધશે અને દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. આ સકારાત્મક અપેક્ષાઓને કારણે જ બજારમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે અને ઓઈલ ક્ષેત્રમાં અમેરિકન કંપનીઓના આગમનથી આર્થિક ગતિવિધિઓ તેજ થવાની આશાએ બજારને મજબૂતી આપી છે.




