રાજકોટ તાલુકામાં છેલ્લા 10-15 દિવસથી સિંહ પરિવારે ધામા નાખ્યા છે. ત્યારે ત્રંબાના વડાળીમાં ગત મોડી રાત્રે અઢી વાગ્યા આસપાસ 2 સિંહોએ પશુપાલકની નજર સામે જ વાળામાંથી ગાયને ઢસડી જઈ મારણ કર્યું હતું. જેને લઈને વાડી વિસ્તારમાં રહેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહોએ એક નીલગાય સહિત અન્ય પ્રાણીઓનું પણ મારણ કર્યું છે. છેલ્લા 10-15 દિવસથી ત્રંબા, હલેન્ડા, ભાયાસર, વડાળી પંથકમાં સિંહોએ ધામા નાંખ્યા છે. આ સિંહ-સિંહણ સતત અલગ-અલગ વાડીઓમાં, વીડીઓમાં અલગ અલગ પશુઓનું મારણ કરી રહ્યાં છે. હાલમાં વડાળી નજીક સુરપાલસિંહ જાડેજાની વીડી પાસે સિંહોએ મુકામ કર્યુ છે. ત્રંબાથી 7 કિમી આગળ ભાયાસર રોડ વડાળીમાં આવેલી વીડીમાં હાલ હલેન્ડા-ડુંગરપુરના પશુપાલકન લવજીભાઇ ગોવિંદભાઇ તેમના પરિવાર સાથે રહેતાં હતાં. રાત્રીના અઢી વાગ્યે બે સિંહો તેમના વાડામાંથી ગાયને ખેંચી ગયા હતાં અને મારણ કર્યુ હતું. લવજીભાઇ સહિત ગાયને છોડાવવા હાકલ પડકારા કર્યા હતાં. પણ બે સિંહ ગાયને ખેંચી ગયા હતાં. આ સાથે જ સિંહોએ એક નિલગાય અને એક જંગલી ભૂંડનું પણ મારણ કર્યુ હતું.

લવજીભાઇના કહેવા મુજબ જે ગાયનું મોત થયું તેની કિંમત પચાસ હજાર જેવી હતી. લવજીભાઈનો પરિવાર ગભરાઇ ગયો હોવાથી તેઓ પરિવાર સાથે આ વીડી છોડીને પોતાના ગામ જતાં રહ્યા છે. ઘટનાની જાણ થતાં સિંહોને જોવા માટે સ્થાનિકો ઉમટી પડ્યા હતા. જેથી પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.