ઘણા જિજ્ઞાસુઓને મનમાં આ પ્રશ્ન ઊઠે છે : ‘મંત્ર-જાપ કરવા માટે કયો મંત્ર શ્રેષ્ઠ ગણાય?’

નિયમિત રીતે જાપ કરવા માટે કોઈ પણ મંત્ર ઉત્તમ છે. તમે કોઈ પણ ઇષ્ટદેવનું નામ લેશો તે બધું પરમતત્ત્વને જ પહોંચશે. તમને મન થાય તો થોડા દિવસ પછી તમે મંત્ર બદલી પણ શકો છો. ફરી પાછા મૂળ મંત્ર પર આવી પણ શકો છો.

પરમતત્ત્વના જગતમાં કોઈ શત્રુતા નથી, કોઈ વિરોધ નથી. હળવાશમાં કહી શકાય કે ભગવાન શિવજીના નામનો મંત્ર-જાપ કરવાથી બ્રહ્મા કે વિષ્ણુ નારાજ થયા નથી. શ્રીકૃષ્ણનો મંત્ર-જાપ કરવાથી મહાદેવ રૂઠી જતા નથી. શક્તિની ઉપાસના કરવાથી શિવતત્ત્વ ક્રોધિત થઈ જતું નથી. મંત્ર-જાપનો મૂળ આશય ચોક્કસ શબ્દસમૂહ પર તમારું મન એકાગ્ર કરવાનો જ છે.

જો કોઈ નામ નિયમિત રીતે, નિયત સમયે અને નિશ્ચિત સ્થળે સતત લેવાય તો એની અસર વધુ કેન્દ્રિત બને છે, એથી આપણી આધ્યાત્મિક માર્ગની યાત્રા ઝડપી બને છે. નામસ્મરણ સાથે સ્વરૂપચિંતન અને એ જ સ્વરૂપનું લીલાચિંતન જો ઉમેરી શકીએ તો પછી તો ભાવજગતમાં પણ પ્રવેશી શકાય છે.

આનો અર્થ એવો થાય કે તમે કોઈ પણ નામનો મંત્ર-જાપ કરી શકો. હરતાંફરતાં, ઊઠતાં, માંદગીના બિછાને, તમારું વ્યાવસાયિક કાર્ય કરતી વખતે પણ મંત્ર-જાપ કરી શકો છો. પરંતુ જો નિયમિત રીતે, એક જ સમયે, એક જ જગ્યા પર બેસીને, એક જ પરમતત્ત્વનું સ્મરણ કરવામાં આવે તો એ વધારે ફળદાયી નીવડે છે.
આવું કરતી વખતે શિવ, પાર્વતી, મહાકાળી, મહાલક્ષ્મી, મા અંબા, મા દુર્ગા, ગણેશજી, હનુમાન જતિ, ભગવાન રામ કે કૃષ્ણ આ બધાનું સાકાર સગુણ સ્વરૂપનું પણ જો ચિંતન કરવામાં આવે તો તેનાથી આપણે ભાવજગતમાં પણ પ્રવેશી શકીએ છીએ.