ફેમસ શિક્ષક ખાન સર વિરુદ્ધ કોચિંગ વિવાદ મામલે FIR દાખલ કરવામાં આવી છે. ગાર્ડ દ્વારા ગોળીબાર કરવા મામલે પટના પોલીસે કડક વલણ અપનાવતા ખાન સર વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ખાન સરે દાવો કર્યો હતો કે તેમના કોચિંગ ગાર્ડ સાથે મારપીટ થઈ હતી. તેમણે શરૂઆતમાં ફાયરિંગ થયું હોવાનો પણ દાવો કર્યો હતો, પરંતુ બાદમાં તેઓ પોતાના આ નિવેદનથી ફરી ગયા હતા.
આ મામલે પટના પોલીસે મોટી કાર્યવાહી કરતા બુધવારે ખાન સરના બે બોડીગાર્ડની ધરપકડ કરી હતી. ‘જ્ઞાન બિંદુ કોચિંગ’ દ્વારા ખાન સરના ગાર્ડ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ પટના પોલીસે પહેલા બંને ગાર્ડને કસ્ટડીમાં લીધા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લીધી હતી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે 15થી 20 જેટલા અસામાજિક તત્વોએ કથિત રીતે ખાન સરની સંસ્થામાં તોડફોડ કરી હતી અને સંકુલ પર પથ્થરમારો કર્યો હતો. આ શૈક્ષણિક સંસ્થા ફેમસ શિક્ષક ફેઝલ ખાન દ્વારા સંચાલિત છે, જેઓ દેશભરમાં ‘ખાન સર’ તરીકે જાણીતા છે.
વિવાદ પાછળનું અસલી કારણ
પટના પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ પાછળ કોઈ અંગત દુશ્મની નહીં પરંતુ પટનાના કોચિંગ માર્કેટમાં વર્ચસ્વ જમાવવાની વ્યાપારિક હરીફાઈ છે. બંને સંસ્થાઓ વચ્ચે લાંબા સમયથી વિદ્યાર્થીઓને ખેંચવા માટે કડવી સ્પર્ધા ચાલી રહી હતી, જે અંતે હિંસક સ્વરૂપમાં ફેરવાઈ છે. નોંધનીય છે કે ઘટનાની રાત્રે ખાન સરે મીડિયા સામે આવીને આક્ષેપ કર્યો હતો કે, જ્ઞાન બિંદુ કોચિંગના ગુંડાઓએ તેમની સંસ્થા પર હુમલો કર્યો અને 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ખાન સર વતી પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી, ત્યારે તેમાં ‘ફાયરિંગ’ શબ્દનો કોઈ ઉલ્લેખ નહોતો.




