વર્લ્ડ સાયકલ ડૅ પર રાજકોટમાં સાયકલિંગ રાઇડ ઉત્સવની ઉજવણી કરાઇ
જિલ્લા કલેક્ટર, DDO, SP, ધારાસભ્યો અને શહેરના અગ્રણીઓ જોડાયા
- Advertisement -
ફિટનેસ, પર્યાવરણ જાગૃતિ અને સાયકલ સંસ્કૃતિનો અપાયો સંદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
વર્લ્ડ સાયકલ ડે અને રાજકોટ સાયકલ ક્લબના 11મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે શહેરમાં ભવ્ય નાઇટ સિટી રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સાયકલ કલબ અને રોટરી મિટડાઉન લાઇબ્રેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને સાયકલિંગ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રાત્રે 9:15 વાગ્યે બહુમાળી ભવન ખાતેથી નાઇટ રાઈડને ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રાઈડનું સમાપન રેસકોર્સ સ્થિત મેયર બંગલા ખાતે કરવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસ, કલેક્ટર કચેરી અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ જિલ્લાના પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તથા આઇએએસ અધિકારી ટીના કલ્યાણે ઉપસ્થિત રહી રાજકોટ સાયકલ કલબના સભ્યો સાથે સાયકલિંગનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ધારાસભ્ય રમેશભાઈ ટીલારા પણ આ રાઈડમાં જોડાયા હતા, જેના કારણે કાર્યક્રમ વધુ ઉત્સાહભર્યો અને પ્રેરણાદાયક બન્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સાયકલિસ્ટોએ 5 કિલોમીટરથી લઈને 18 કિલોમીટર સુધીની રાઈડમાં ભાગ લીધો હતો. રાત્રિના સમયે યોજાયેલી આ રાઈડ દરમિયાન સાયકલિંગ પ્રત્યેનો ઉત્સાહ અને શહેરમાં વધતી ફિટનેસ જાગૃતિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટ સાયકલ ક્લબે છેલ્લા 11 વર્ષ દરમિયાન સાયકલિંગ ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ક્લબ દ્વારા વિશ્વનો સૌથી મોટો વર્ચ્યુઅલ સાયક્લોફન, ભારતનો સૌથી મોટો ફિઝિકલ સાયક્લોફન, પેરેન્ટ્સ-કિડ્સ રાઈડ, વુમન્સ ડે રાઈડ, ડ્યુથેલોન અને ‘સાયકલ ટુ વર્ક’ જેવા અભિયાનો સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યા છે. રાજકોટ સાયકલ કલબના સભ્યો શહેરમાં ટૂંકા અંતર માટે સાયકલનો વધુ ઉપયોગ થાય તે માટે સતત જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. પર્યાવરણનું સંરક્ષણ, ઇંધણ બચત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવતા આવા પ્રયાસોને શહેરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કાર્યક્રમના સમાપન પ્રસંગે મેયર નેહલભાઈ શુક્લાએ રાજકોટ સાયકલ ક્લબની વિવિધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે શહેરમાં સાયકલિંગ સંસ્કૃતિ વિકસાવવા અને લોકોમાં સ્વાસ્થ્ય તથા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાજકોટ સાયકલ કલબ દ્વારા કરવામાં આવતા પ્રયાસોને બિરદાવ્યા હતા. સમગ્ર નાઇટ સિટી રાઈડ કાર્યક્રમ ફિટનેસ, મિત્રતા, સામાજિક જોડાણ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. રાજકોટ સાયકલ કલબના 11 વર્ષના સફરની ઉજવણી સાથે શહેરમાં સાયકલિંગને વધુ લોકપ્રિય બનાવવા માટેનું આ આયોજન પ્રેરણારૂપ સાબિત થયું હતું.



