ખાસ-ખબર સંવાદદાતા
શહેરના ધાર્મિક સંગઠનોએ સોમવારે રાજકોટ બંધનું એલાન આપતાં ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ સંગઠનોના આગેવાનો સાથે મિટીંગ યોજી હતી, જેમાં તેઓએ આગેવાનોને સમજાવતાં બંધનું એલાન પરત ખેંચવામાં આવ્યું હતું અને આજે શાંતિપ્રિય રીતે આવેદન આપવાની વાત કરી હતી. આવેદન આપ્યા બાદ ટોળું એકાએક તોફાની બની જતા પ્ર.નગર પોલીસ સ્ટેશનની પીસીઆર, અમુક દુકાનો બંધ કરાવી તેમાં તોડફોડ કરતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું હતું અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. હાલમાં રાજકોટની પરિસ્થિતિ કાબુમાં છે અને સોશિયલ મિડીયામાં કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરણીજનક પોસ્ટ કે ખોટી અફવા ફેલાવશે તો તેના ઉપર આકરા પગલાં લેવામાં આવશે તેમ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.



