સામા પક્ષે થાર-એન્ડેવર સહિત 26.50 લાખના વાહનો સળગાવી નાખ્યા
દિવાળીના દિવસે રૈયા ગામમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે થયેલી તકરાર હિંસક બની હતી.આ ઘટનામાં પ્રથમ પાડોશી પરિવારે મહિલા પર પાલતુ જર્મન શેફર્ડ શ્વાન છૂટો મૂકી હુમલો કરાવતાં, તેના બદલામાં મહિલાએ મધરાતે મિત્રોને બોલાવી પાડોશીના મકાનમાં તોડફોડ કરી થાર, એન્ડેવર સહિત રૂ. 26.50 લાખના વાહનો સળગાવી દીધા હતા.આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુનિવર્સિટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ પરથી કુલ 6 શખસો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે રાજકોટમાં પાલતુ શ્વાન પાસે હુમલો કરાવવા બચકા ભરાવવાની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
- Advertisement -
રાજકોટના રૈયા ગામના ખોડિયાર નગરમાં રહેતા 60 વર્ષીય રણજીતભાઈ પરમારે ફિઝાબેન અને ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત તા. 8ના રોજ રાત્રે ફટાકડા ફોડવા બાબતે તેમના પુત્ર પાર્થ અને પાડોશી રાબીયાબેન તથા ફિઝા વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે ફિઝાએ ‘ઝઘડાનો બદલો જરૂર લઈશ’ તેવી ધમકી આપી હતી.ડરના કારણે રણજીતભાઈ પરિવાર સાથે મોરબી ખાતેના બીજા મકાને જવા નીકળ્યા હતા. દરમિયાન વહેલી સવારે 4થી 5 વાગ્યાના અરસામાં તેઓએ મોબાઈલમાં ઘરના સીસીટીવી જોતાં બાઈક પર આવેલા શખ્સોએ કાચની બોટલો ફેંકી મકાનની બારીઓમાં તોડફોડ કરી હતી અને પાર્ક કરેલી મહેન્દ્રા થાર, ફોર્ડ એન્ડેવર, જીપ, બુલેટ, બે એક્ટિવા તથા પલ્સર બાઈકમાં આગ ચાંપી દીધી હતી. આગચંપી અને તોડફોડમાં કુલ રૂ. 26.50 લાખનું નુકસાન થયું હતું.સામા પક્ષે 49 વર્ષીય રાબીયાબેન કટારીયાએ શની, પાર્થ અને જલ્પાબેન સામે વળતી ફરિયાદ નોંધાવી છે. રાત્રે દસેક વાગ્યે રાબીયાબેને શેરીમાં ફટાકડા ફોડતા પોતાના બે પૌત્રોને સૂઈ જવા માટે કહ્યું હતું. પરંતુ બાજુમાં ફટાકડા ફોડતા શની, પાર્થ અને જલ્પાબેનને પોતાને ના પાડી હોવાનું લાગતાં ઝઘડો કર્યો હતો.શનીએ વચ્ચે પડેલી ફિઝાના કપાળમાં ઈંટ મારી હતી, જ્યારે પાર્થે તલવાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જલ્પાબેને પાલતુ જર્મન શેફર્ડ શ્વાન છૂટો મૂકી દેતાં શ્વાને રાબીયાબેનને પગ, ખભા અને હાથે બચકાં ભરી લોહીલુહાણ કર્યા હતા પોલીસે બંને પક્ષે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



