ગેરકાયદે ઘૂસણખોરી કરી રાજકોટ આવેલા બાંગ્લાદેશી 12 દિવસ નજર કેદ રહ્યા હતા
મહિલા દોઢ વર્ષથી રાજકોટ અને 9 વર્ષથી ભારતમાં રહેતી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના પડધરી નજીક રંગપર ગામે ગત 25 તારીખે ગ્રામ્ય એસઓજી ટીમે દરોડો પાડી ગેરકાયદેસર ઘૂસણખોરી કરી ભારતમાં ઘુસી બે મહિનાથી રહેતા બે બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યા છે. તેની સાથે દોઢ વર્ષથી સંપર્કમાં રહેલી રાજકોટમાં રહેતી એક મહિલાની પણ અટકાયત કરી હતી. ત્રણેયને 12 દિવસ સુધી પડધરી પોલીસ મથકમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા.ત્રણેય લોકો ગેરકાયદે રહેતા હોવાથી ભારત સરકારની લીગલ દસ્તાવેજી પ્રોસીજર પૂર્ણ થતાં આજે ત્રણેયને કચ્છ ખાતે મોકલી ડીપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહિલા 2016થી મુંબઈમાં અને છેલ્લા દોઢ વર્ષથી ચણોલ ગામે રહેતી હોવાનું પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે.પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી આધારે પડધરીના રંગપર ગામે ગત 25/01/2025ના રોજ દરોડો પાડ્યો હતો. મારૂતિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બાંગ્લાદેશના મોનીરામપુર ગામના સોહિલહુસેન યાકુબઅલી અને રીપોનહુસેન અમીરુલ ઈસ્લામને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી. બન્ને બાંગ્લાદેશીની પુછપરછમાં પડધરીના ચણોલ ગામે દોઢ વર્ષથી રહેતી બાંગ્લાદેશી યુવતી રીના ખુરશીદઆલોમ બિશ્નોઈનો તેના સંપર્ક સાધી ચાર દિવસ સુધી જંગલમાં ચાલીને ભારતમાં ઘૂસણખોરી કરી હોવાની અને કોલક્તાથી ટ્રેન મારફ્ત અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવી બે મહિનાથી ભાડે રહી કારખાનામાં મજુરીકામ કરતા હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલા બંને બાંગ્લાદેશી શખ્સો તેમજ તેના સંપર્કમાં રહેલી મહિલા પાસે ભારત આવવાના કે રહેવા માટેના કોઈ આધાર પુરાવા ન હોવાથી ત્રણેયને અટકાયતમાં લીધા હતા. જયારે બાંગ્લાદેશી મહિલાની પુછપરછ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા રીના ખુરર્શીદઆલોમ બિશ્વાસ (ઉ.વ.34) બાંગ્લાદેશના જોસર જિલ્લાના મામદકરી મોનીરાપુરની મૂળ વતની હોવાનું સામે આવ્યું છે. જે ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહિ આ મહિલા વર્ષ 2016માં મુંબઈ આવી હતી અને ત્યાં ડાન્સ બારમાં કામ કરતી હતી. જ્યાંથી તેને રાજકોટ જિલ્લાના પડધરી ગમે રહેતા શખ્સ સાથે સંપર્ક થયો હતો અને પછી છેલ્લા દોઢ વર્ષથી તે રાજકોટમાં પડધરી ખાતે આવી રહેતી હતી. જે બાદ પડધરી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધ કરી ત્રણેયને 12 દિવસ સુધી નજર કેદ રાખવામાં આવ્યા હતા. ત્રણેયના બાંગ્લાદેશી હોવાના પુરાવા વતનથી મંગાવી ભારતીય સરકારની દસ્તાવેજી પ્રોસીજર પૂર્ણ કર્યા બાદ આજે ત્રણેયને કચ્છથી બાંગ્લાદેશ પરત ધકેલી દેવા ડીપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપીઓને 12 દિવસ સુધી નજર કેદ રાખવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં બન્ને શખ્સો બાંગ્લાદેશની બોમરા બોર્ડર અને ભારતના બોંગા બોર્ડર જંગલ વિસ્તાર મારફત કોલકત્તા પહોંચી ત્યાંથી હાવડા એક્સપ્રેસ ટ્રેન મારફત અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ પહોંચ્યા હતા. તેઓ છેલ્લા બે મહિનાથી રાજકોટ આવી પડધરી તાલુકામાં રંગપર પાટિયા નજીક મારુતિ સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ બન્ને શખ્સો મજૂરી કામ અર્થે આવ્યાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યા હતા. એટલું જ નહિ બાંગ્લાદેશમાં ભૂખમરા જેવી સ્થિતિ હોવાથી રાજકોટ મજૂરી કામ કરવા આવ્યાનું જણાવ્યું હતું. બન્ને શખ્સો અભણ હતા અને એકને તો પિતાની સારવાર અર્થે પણ રૂપિયા ન હોવાથી ઘૂસણખોરી કરી રાજકોટ મજૂરી કામ કરવા આવ્યાનું જણાવ્યું હતું.