ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ક્લીનઅપ રાજકોટ દ્વારા પર્યાવરણ રક્ષણ અને ધાર્મિક આસ્થાની જાળવણી અર્થે અનોખી પહેલ
રાજકોટના રેસકોર્સ ખાતે ગણેશ વિસર્જન માટે દેશની ૧૧૧ પવિત્ર નદીઓના પવિત્ર જળ ધરાવતો વિશેષ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને રાજકોટ ક્લિનિક ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક ડેમ અને જળાશયોને પ્રદૂષિત થતાં અટકાવવાનો તેમજ શ્રીજીની પ્રતિમાઓની અવહેલના રોકી ધાર્મિક આસ્થાની મર્યાદા જાળવવાનો છે.
દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન આજુબાજુના જળાશયો અને ડેમોમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાથી જળ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત વિસર્જન બાદ પ્રતિમાઓની યોગ્ય સંભાળ ન થવાથી અનાદર થાય છે જેનાથી ધર્મપ્રેમી જનતાની ધાર્મિક લાગણીઓને ઊંડી ઠેસ પહોંચે છે. ગણેશ ઉત્સવ એ માત્ર ઉત્સવ નથી પરંતુ શ્રદ્ધાનું પાવન પર્વ છે. જે વિઘ્નહર્તાદેવની આપણે દિવસો સુધી વિધિવત પૂજા અર્ચના કરીએ છીએ તેમના વિસર્જન સમયે પણ એ જ પવિત્રતા અને સન્માન જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. આ સમસ્યાના શાસ્ત્રોક્ત ઉકેલ માટે રેસકોર્સ ખાતે બહુમાળી ભવનની સામે, રેસકોર્સ મેઈન ગાર્ડન મીડિયા હાઉસની બાજુમાં (સમય સવારે ૯થી સાંજે ૭) ૩૫×૪૫ ફૂટનો કુંડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દેશની ૧૧૧ પવિત્ર નદીઓનું જળ ભરવામાં આવ્યું છે. વિસર્જન બાદ પ્રતિમાઓને ટ્રેકટર દ્વારા સંપૂર્ણ સન્માન અને પવિત્રતા સાથે એકત્રિત કરીને તેમની યોગ્ય વિધિ મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને રાજકોટ ક્લિનિક ગ્રુપ દ્વારા ડેમ કે જળાશયોને પ્રદૂષિત કરવાને બદલે અને પ્રતિમાઓનો અનાદર રોકવા માટે ગણપતિ દાદાને રેસકોર્સ ખાતે આવેલા આ પવિત્ર કુંડમાં જ પધરાવવા રાજકોટના તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને અપીલ કરવામાં આવી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ક્લીનઅપ ગ્રુપના અજયભાઈ હીરપરા, વિઠ્ઠલભાઈ બાલધા, સંજયભાઈ કાકડીયા, એવનભાઈ દલસાણીયા, સાગરભાઈ સોરઠીયા, આરતીબેન મીઠાણી, ડાયાભાઈ ધાડીયા, લક્ષ્મણભાઈ શીંગાળા, રતિભાઈ ઠુંમર, દિનેશભાઈ વેકરીયા વગેરે દ્વારા અપીલ કરાઈ છે.




