ડૉ. શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
બ્રહ્મચારિણી દેવીના ચરણોમાં ડૉ.શરદ ઠાકરના વંદન. બીજા નોરતામાં મા શક્તિને પ્રણામ કરીને આજે એક સુંદર વાત રજૂ કરું છું. આપણે મોટા ભાગના સ્તોત્રો, સ્તુતિઓ અને મંત્રો સંસ્કૃત ભાષામાં જ વાંચ્યા છે અને સાંભળ્યા
છે. ચારણી સાહિત્યમાં માતાજીની સ્તુતિઓ રચાયેલી છે તે સંસ્કૃત સ્તોત્રોને ટક્કર મારે એવી ઉત્તમ છે.
ભારત ભરનાં સર્વકાલીન, સર્વશ્રેષ્ઠ ચરણ કહેવાય તે હતા આજથી ૫૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના મારવાડમાં થઈ ગયેલા ઈશરદાસ બારહટ. એવું કહેવાતું કે ઈશરદાસજીની વાણીમાં પરમેશ્વર બોલતા હતા. એટલા માટે જ આવી
ઉક્તિ પડી હતી : “ઈશરા પરમેશરા” ઇશરદાસ એ જ પરમેશ્વર છે.
ઈશરદાસે ભગવાન શ્રીકૃષ્ણની પ્રશસ્તિમાં ૩૬૦ છંદોનું બનેલું મહાકાવ્ય રચ્યું હતું, જે હરિરસ નામથી સુપ્રસિદ્ધ છે. ચારણી છંદમાં લખાયેલો આ ગ્રંથ હરિરસ લોકસાહિત્યના વિશ્વમાં ભગવાન શ્રીકૃષ્ણનો શ્રેષ્ઠ પ્રશસ્તિ ગ્રંથ મનાય
છે. એવું કહેવાય છે કે ઈશરદાસ આ ગ્રંથ પૂર્ણ થયા બાદ ભગવાન દ્વારિકાધીશના ચરણે અર્પણ કરવા માટે પધાર્યા ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને પ્રગટ થયા હતા. તેમણે ઈશરદાસજીને વરદાન માગવા કહ્યું ત્યારે
ઈશરદાસજીએ માગ્યું, “મારા આ ગ્રંથમાં આપ આપના હસ્તાક્ષર કરી આપો.” લોક વાયકા કહે છે કે દ્વારિકાધીશ રાજા રણછોડરાયે હરિરસ ગ્રંથમાં પોતાના નામના દસ્તખત કરી આપ્યા હતા.
આ સમયે શ્રીકૃષ્ણની બાજુમાં ઉભેલા શ્રીરુક્મિણીએ બનાવટી ગુસ્સો કરીને ઈશરદાસજીને કહ્યું, “ચારણ, આપ તો દેવી પુત્ર કહેવાઓ છો. આ ગ્રંથમાં તમે માત્ર હરિના જ ગુણ ગાયા છે. મારા વિશે તો એક શબ્દ પણ લખ્યો નથી.”
દેવી માતાનો આ ઉપાલંભ સાંભળીને ચારણ શ્રેષ્ઠ ઈશરદાસના ગળામાંથી છંદ ભુજંગીમાં આ પ્રશસ્તિ નીકળી : “દેવી ઉમ્મયા ખમ્મયા ઈશનારી, દેવી ધારણિ મુંડ ત્રીભુવન્ન ધારી, દેવી શબ્બદા રૂપ ઓં રૂપ સીમા, દેવી વેદ
પારખ્ખ ધરણી વ્રહમ્મા.”
એવું કહેવાય છે કે ૮૫ છંદ અને ત્રણ છપ્પામાં સમાયેલું દેવી માતાનું આ ઉત્કૃષ્ટ પ્રશસ્તિ કાવ્ય રચી લીધા પછી કવિશ્રેષ્ઠ ઈશરદાસને લાગ્યું કે હવે એમનું જીવન કાર્ય પૂર્ણ થયું. દ્વારિકાધીશના મંદિરની પાછળ આવેલા વિશાળ
સમુદ્રમાં ૧૦૭ વર્ષના ઈશરદાસજીએ પોતાનો ઘોડો હંકારી મેલ્યો. કિનારે ઉભેલા હજારો ભક્તો ક્ષિતિજ સુધી ચાલ્યા જતા એ દેવાંશી અશ્વને અને એના ઈશ્વરીય અસવારને જોતા રહ્યા.
આ ગ્રંથનું નામ દેવીયાણ. પ્રાચીન સમયમાં અનેક ચારણો અને ગઢવીઓ લોકસાહિત્યના મંચ પરથી દેવીયાણના છંદો રજૂ કરતા હતાં. હાલમાં પણ કેટલાક જૂજ ચારણો અને ગઢવીઓના મુખે દેવીયાણ સાંભળવા મળે છે.
જિતુદાન ગઢવીના કંઠમાં દેવીયાણ સાંભળવું એક લ્હાવો છે. જો પૂરી શ્રદ્ધાથી આંખ બંધ કરીને, તન્મય થઈને દેવીયાણ સાંભળશો તો અવશ્ય નાદબ્રહ્મમાં ડૂબી જશો. છેલ્લા પચાસ વર્ષ દરમ્યાન થઈ ગયેલા તમામ ગઢવીઓમાં
મને સૌથી ગમતા અને હવે નામશેષ રહી ગયેલા ઈશરદાનજી ગઢવીના મુખે દેવીયાણના કેટલાંક છંદો મેં સાંભળ્યા છે અને મને ખૂબ ગમ્યા છે. ‘યુ ટ્યુબ’ પર ઉપલબ્ધ છે. ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા ઈશરદાસજી અને
તાજેતરમાં થઈ ગયેલા ઈશરદાનજી એ બંને અલગ વ્યક્તિ વિશેષો છે, પણ બંનેને હું ઉત્કૃષ્ટ ગણું છું.



