ગીર, દેવળીયા, આંબરડી, બરડા અને ગિરનાર સફારીમાં પ્રવાસીઓનો ધસારો; સ્થાનિક રોજગારીમાં પણ વધારો
ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના કુદરતી નિવાસસ્થાન એવા સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં વર્ષ ૨૦૨૬ના દિવાળી વેકેશન દરમિયાન દેશ-વિદેશના પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. વન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, ગત ૯ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્રના સફારી પાર્કમાં સિંહ દર્શન માટે અંદાજે ૮૦ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડયા હતા. પ્રવાસીઓના આ ભારે ઘસારાને કારણે ગુજરાત વન વિભાગને રૂપિયા ૧.૫૯ કરોડથી વધુની માતબર આવક થઈ છે અને તેની સાથે આસપાસના વિસ્તારોમાં સ્થાનિક રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આ વેકેશન દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ ગીર અને દેવળીયા સફારી પાર્કમાં નોંધાયા હતા, જ્યાં જીપ્સી અને બસ સફારી દ્વારા કુલ ૬૦,૬૬૧ પ્રવાસીઓએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો, જેના થકી વન વિભાગને આશરે રૂપિયા ૧.૨૧ કરોડની આવક થઈ છે. ગત વર્ષ ૨૦૨૫ની રૂપિયા ૧.૧૫ કરોડની આવકની સરખામણીએ આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, જૂનાગઢના ગિરનાર નેચર સફારી, અમરેલીના આંબરડી સફારી પાર્ક અને પોરબંદરના બરડા સફારી ખાતે પણ પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ત્રણેય સ્થળો પર કુલ ૨૦,૨૮૨ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જે ગત વર્ષના ૧૮,૧૧૪ પ્રવાસીઓની સામે ૧૧.૯૭ ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે આ ત્રણેય સ્થળોની આવક રૂ ૩૪ લાખથી વધીને રૂ. ૩૮ લાખ પર પહોંચી છે.
સાસણગીર ઉપરાંત આંબરડી અને બરડા સફારી જેવા વૈકલ્પિક પ્રવાસન સ્થળો તરફ પ્રવાસીઓનો ઝુકાવ વધ્યો છે. ખાસ કરીને ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓની સંખ્યામાં ૬૮.૧૩ ટકાનો જંગી ઉછાળો ઈકો-ટુરિઝમની સફળતા દર્શાવે છે. પ્રવાસીઓની વધતી અવરજવરને કારણે જીપ્સી ડ્રાઈવર્સ, નેચર ગાઈડ્સ, હોટલ-રિસોર્ટ, હોમ-સ્ટે અને સ્થાનિક કારીગરો સહિત હજારો પરિવારોની આજીવિકામાં સીધો વધારો થયો છે, જ્યારે વન વિભાગની આ આવક વન્યજીવોના સંવર્ધન અને પ્રવાસી સુવિધાઓના વિકાસ માટે વપરાશે.



