માણસની આંખમાં રહેલું ઈર્ષાનું કાતીલ ઝેર આ તમામ સકારાત્મકતાને ઝેર બનાવી દે છે
એકવાર શેષનાગ બીમાર પડ્યા. ધીમે ધીમે બીમારી વધવા લાગી. ઘરગથ્થું સામાન્ય દવાઓની કોઈ અસર ન થઈ એટલે દેવોના વૈદ્ય અશ્વિનકુમારને બોલાવવામાં આવ્યા. અશ્વિનકુમારે દવા તૈયાર કરીને શેષનાગને આપી. અશ્વિનકુમાર જેવા વૈદ્યની દવા લીધા પછી પણ રોગ કાબૂમાં આવ્યો નહીં. અશ્વિનકુમાર એકથી એક ચડિયાતી દવા આપતા જાય તો પણ રોગ તો વધતો જ ચાલ્યો. બધાં દેવોને લાગ્યું કે કદાચ શેષનાગનો પ્રાણ જતો રહેશે. અશ્વિનકુમાર પણ મૂંઝાયા. એણે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, આપ કંઈક મદદ કરો. હું તો મારા તમામ પ્રામાણિક પ્રયાસો કરું છું, પણ મારી દવા કોઈ જ કામ કરતી નથી. મને પણ નથી સમજાતું કે આવું કેમ થાય છે. આજ દિન સુધી આવું ક્યારેય બન્યું નથી! એક સંત અશ્વિનકુમાર પાસે આવ્યા અને કહ્યું, બોલો શું મદદ કરું આપને ? અશ્વિનકુમારે પેલા સંતને પોતાની બધી વાત સંભળાવી. સંતે એટલું જ કહ્યું, તમારી ઔષધી તો બરાબર જ છે ને? જે રોગ છે તેનો નાશ કરવા માટે આ જ પ્રકારની ઔષધી ઉપયોગમાં લેવાય છે ને ? અશ્વિનકુમારે કહ્યું, હા, રોગનાં લક્ષણો પ્રમાણે જ મેં ઉત્તમ પ્રકારની દવા બનાવી છે. અને એ દવા આપવા છતાં નાગરાજને કોઈ જ અસર થતી નથી. પેલા સંતે હસતાં હસતાં કહ્યું, એક કામ કરો. દવા પીવડાવતી વખતે શેષનાગની આંખ પર પાટો બાંધો અને પછી દવા આપો. બધાં વિચારવા લાગ્યા કે આંખ પરના પાટાને અને દવાની અસરને શું લેવાદેવા ? પણ અશ્વિનકુમારે પેલા સંતની આજ્ઞા મુજબ કર્યું અને બધાંના આશ્ચર્ય વચ્ચે નાગરાજની તબિયત સુધરવા લાગી. થોડા સમયમાં તો રોગ સાવ જતો રહ્યો. દેવો અને અશ્વિનકુમારને આંખ પરના પાટાનું રહસ્ય ન સમજાયું એટલે સંતને તે જણાવવા વિનંતી કરી ત્યારે સંતે કહ્યું, ઔષધી તો બરાબર જ હતી પણ જ્યારે એને પીવડાવવા માટે શેષનાગના મુખ પાસે લાવતા હતા, ત્યારે શેષનાગની આંખમાં કાતીલ ઝેર હોવાથી અમૃત જેવી ઔષધી પણ ઝેર બની જતી હતી. પાટો બાંધીને મેં એની આંખના ઝેરને ઔષધીમાં ભળતા અટકાવ્યું એટલે ઔષધીની અસર થઈ. આપણા જીવનને આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહથી તરબતર કરી દે તેવી અમૃતમય ઔષધીઓ આપણી પાસે જ છે; પરંતુ આપણી આંખમાં રહેલું ઈર્ષાનું કાતીલ ઝેર આપણી આ ઔષધીને પણ ઝેર બનાવી દે છે અને પેલા શેષનાગની જેમ દવા પીવા છતાં પણ આપણો અશાંતિનો રોગ મટતો જ નથી !
- Advertisement -
કેન્સરથી મૃત્યુ પામનારા લોકો કરતા ઈર્ષ્યાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે
– જોસેફ પી. કેનેડી



