વારંવાર ઉકાળેલા તેલમાંથી બનતા ફરસાણો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ભેદી મૌન !
મીઠાઈઓના સેમ્પલ લેવાયા પરંતુ કાળા પડી ગયેલા તેલના સેમ્પલો કોણ લેશે ?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હાલ દિવાળીના તહેવારની લોકો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે અને તહેવારની ઉજવણીમાં લોકો પોતાના પરિવાર માટે મીઠાઈ અને ફરસાણ ખરીદતા હોય છે પરંતુ હળવદ શહેરની વિવિધ જગ્યાઓ પર ફરસાણની દુકાનોમાં બહાર મંડપ નાખીને ખુલ્લામાં મીઠાઈ અને ફરસાણ બનાવવામાં આવી રહ્યાં છે જેથી વાહનોનો ધુમાડો અને ધૂળની ડમરીઓ મીઠાઈ અને ફરસાણ સાથે ભળી સીધી લોકોના પેટમાં જઈ રહી છે. આમ તો, હળવદની મોટાભાગની દુકાનોમાં બાળ મજૂર જોવા મળતા હોય છે પરંતુ બાળ મજૂરી કાયદો માત્ર કાગળ પર જ હોય તેવી રીતે માત્ર કહેવા પુરતી જ કામગીરી કરીને તંત્ર સંતોષ માની લેતુ હોય છે.
હાલ તો હળવદ શહેરમાં સ્વાસ્થ્યને હાની પહોંચે તેવા તેલમાં ફરસાણો તળીને ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે જો કે ફરસાણ સહિતની વસ્તુઓને તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલનો વારંવાર ઉપયોગ કરતા તેની ગુણવત્તા સાવ ખલાસ થઈ જાય છે અને વારંવાર એ જ તેલનો ઉપયોગ કરનારા વેપારીઓ સામે સરકારે કાયદાની જોગવાઈ સુધારી છે જેમાં નવા ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આવા તેલનો ઉપયોગ કરનારને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે પરંતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ હળવદના સરા નાકા પાસે આવેલ મહેશ્વરી સ્વીટ માર્ટ અને મેઈન બજારમાં આવેલ જૈન સ્વીટ માર્ટમાં મીઠાઈના સેમ્પલો લઈને સંતોષ માની લેવામાં આવ્યો હતો પરંતુ આ સેમ્પલોના રિપોર્ટ દિવાળી બાદ આવશે તો મીઠાઈ ખાનારા ગ્રાહકોનું શું થશે ?
ગૃહિણીઓને ઘરેલું રાંધણ ગેસના ફાંફા અને ફરસાણની દુકાનોમાં બેફામ ઉપયોગ !
આમ તો સરકાર દ્વારા ઘરેલુ રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ઉપયોગ વિશે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે પંરતુ હળવદમાં ફરસાણના વેપારીઓ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યાં છે અને પુરવઠા શાખા જાણે કંઈ જ કાર્યવાહી કરવા ન માંગતું હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ તહેવારોની સીઝનમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે ગૃહિણીઓને ફાંફા પડે છે જ્યારે ફરસાણોની દુકાનોના વેપારીને કાળા બજારી થકી જોઈએ તેટલા ગેસ સિલિન્ડરો મળી જતા હોય છે જોકે ફરસાણોની દુકાનોમાં ઉપયોગકર્તાઓ સામે પુરવઠા વિભાગ કામગીરી કરશે કે કેમ તે પણ સવાલ છે.
- Advertisement -
માત્ર તહેવારમાં જ નહીં, આખા વર્ષ દરમિયાન ફુડ ચકાસણી કરાશે: આરોગ્ય મંત્રી
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે હવે માત્ર તહેવારમાં જ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન ફુડ ચકાસણી કરવામાં આવશે અને તેના રિપોર્ટ ટૂંક સમયમાં આવે અને ઝડપથી કાર્યવાહી થાય તેવી સૂચના આપવામાં આવી છે.