રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 6.5 કરોડના 20 વિકાસ કામોને મંજૂરી
ન્યાયાધીશ અને સ્ટાફના ખર્ચમાં વાર્ષિક રૂ.1.25 કરોડની બચત થવાનો અંદાજ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા તેમજ મહાનગરપાલિકાના વહીવટી ખર્ચમાં ઘટાડો કરવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં રજૂ કરવામાં આવેલી કુલ 20 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ દરખાસ્તો અંતર્ગત અંદાજે 6.5 કરોડના વિવિધ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી છે. બીજી તરફ, ગુમાસ્તા ધારા અને શોપ એક્ટ સંબંધિત કેસો માટે કાર્યરત બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ કોર્ટમાં હાલમાં માત્ર 13 જેટલા કેસો જ પેન્ડિંગ હોવાથી કોર્ટ બંધ કરી બાકી કેસો અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ નિર્ણયથી રાજકોટ મહાનગરપાલિકાને વાર્ષિક અંદાજે 1.25 કરોડની આર્થિક બચત થવાનો અંદાજ છે.
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા સંબંધિત કુલ 20 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ તમામ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી મળતાં અંદાજે 6.5 કરોડના વિકાસ કાર્યોનો માર્ગ મોકળો થયો છે. શહેરમાં મહિલાઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને પિંક ટોયલેટના નિર્માણની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 3માં જાહેર શૌચાલય બનાવવાનું કામ પણ હાથ ધરવામાં આવશે. રાજકોટ શહેરના સૌંદર્યીકરણ અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં આવેલા સેન્ટ્રલ ડિવાઈડર તેમજ વિવિધ સર્કલની નિભાવણી અને જાળવણીનાં કામોને પણ મંજૂરી આપવામાં આવી છે.
ગુમાસ્તા ધારા અને શોપ એક્ટના કેસોનું પ્રમાણ ઘટતાં બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય
બેઠકમાં મહાનગરપાલિકાના વહીવટી અને નાણાકીય ખર્ચને લગતો પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુમાસ્તા ધારા અને શોપ એક્ટ સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે કાર્યરત બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બંને સ્પેશિયલ કોર્ટમાં મળીને માત્ર 13 જેટલા કેસો જ ચાલુ હોવાનું સામે આવ્યું છે. કોર્ટ બંધ થયા બાદ ત્યાં પેન્ડિંગ રહેલા તમામ કેસોને અન્ય સંબંધિત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી કેસોની કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ રહી શકે.




